
સમર્થન મહિલા સંગઠન, શક્તિ મહિલા સગઠન અને ઉત્થાનના સહિયારા પ્રયાસે, બંધારણીય પરિકલ્પના અંતર્ગત વંચિત નાગરિકોની સામાજિક સુરક્ષાને સુનિશ્ચિત કરતું એક જિલ્લા સ્તરીય પરામર્શનું આયોજન ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ, સવારના ૧૧.૦૦-૨.૦૦ દરમિયાન આર્ય સમાજ હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે થયું. આ પરામર્શનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સંગઠનો, ઉત્થાન સંસ્થા અને સરકાર સાથે મળીને વંચિત લોકોના મૂળભૂત અધિકારોને સરકારી યોજનાઓ દ્વારા મેળવવામાં પડતી મુશ્કેલીઓ પર સકારાત્મક ચર્ચા કરવાનો અને તેના નિરાકરણ કે ઉકેલો કાઢવાના સહભાગી અભિગમ પ્રસ્થાપિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં સરકારી વિભાગોના પ્રતિનિધિત્વ કરતાજીલ્લા મહિલા અને બાળ વિકાસમાંથી સુરક્ષા અધિકારી શ્રી. સોનલબહેન પટેલ, જીલ્લા સમાજ સુરક્ષા વિભાગમાંથી પ્રોબેશન ઓફિસર શ્રી. હર્ષવર્ધન મૌર્ય અને શ્રી. સુરેશ રાઠોડ, મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી જેન્ડર સ્પેશ્યાલીસ્ટ શ્રી. અજ્યભાઈ ડી. જીલ્લા બાળ સુરક્ષા એકમમાંથી પ્રોટેક્શન ઓફિસર શ્રી. જયશ્રીબહેન , જીલ્લા સમાજ સુરક્ષામાંથી ઓપરેટર શ્રી. પરિત પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત ભાવનગર જિલ્લાના મહુવા, ભાવનગર અને ઘોઘા તાલુકાના ૮૨ ગામના સરકારી યોજનાઓના હિતધારકોમાંથી કુલ ૬૫ લોકો, મહિલા સંગઠન , ભાવનગરના પ્રમખ, કારોબારીના સભ્યો, પેરાલીગલ કાર્યકરો અને ઉત્થાન ટીમ મળીને કુલ ૨૫ હાજર રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં સરકારી યોજનાઓના હિતધારકોને ગંગા સ્વરૂપા યોજના, વૃદ્ધ સહાય યોજના, દિવ્યાંગ સહાય યોજના , પાલક માતા-પિતા યોજના અને વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવામાં પડતી મુશ્કેલીઓની રજૂઆત સંબંધિત સરકારી અધિકારીઓ સમક્ષ કરવામાં આવી. જેના અનુસંધાનમાં સર્વે અધિકારીઓએ સરકાર સાથે જોડાણ કરીને વંચિત લોકોને તેમના અધિકારો અપાવવા માટે ગ્રામ સ્તરે માહિતી, માર્ગદર્શન અને જાગૃતિ માટે વિવિધ માધ્યમો ( ફળિયા મીટીંગો, સર્વિસ કેમ્પો ) દ્વારા કરાયેલા અથાક પ્રયાસોને બિરદાવ્યા હતા. હિતધારકોની મુશ્કેલીઓના સંદર્ભમાં તેઓએ જે તે સરકારી યોજનાઓના તાજેતરના નવા સરકારી ઠરાવો / નિયમોની જાણકારી, તાલુકા સ્તરે દિવ્યાંગ લોકો માટે વિકલાંગતાની તપાસ માટેના વધારે મેડીકલ કેમ્પોનું આયોજન , બધી જ સરકારી યોજનાઓના દસ્તાવેજોની ગ્રામ સ્તરે ખરાઈ કરાવવા માટે સંબંધિત અધિકારીને મોકલવાની વ્યવસ્થા કરવાની, વૈકલ્પિક સમાજ સુરક્ષા યોજનાઓનો લાભ અપાવવા માટેની અને ઉત્થાન અને મહિલા સંગઠનોને સરકારી યોજનાઓમાં પડતી મુશ્કેલીઓ બાબતે હિમાયત કરવાની અને એનો સરકાર તરફથી સકારાત્મ્ક પ્રતિસાદ આપવાની બાંહેધરી આપી હતી. આ પરામર્શ દ્વારા સરકારી અધિકારીઓ, સંગઠન અને સંસ્થા વચ્ચેના જોડાણો વધુ મજબૂત બન્યા હતા અને તમામ વંચિત લોકોની તેમના અધિકારો સુધીની પહોંચને વધારવા માટેની કટિબદ્ધતા દર્શાવી હતી. અંતે દેશને નશામુક્ત બનાવવાની પ્રતિજ્ઞા લઈને પરામર્શનું સમાપન કરવામાં આવ્યું હતું.