રિપોર્ટ,મયુર પટેલ

સુમુલ ડેરી સુરતના કેમ્પસમાં નવનિર્મિત કેન્ટીનનું ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય અને સુમુલ ડેરીના ડીરેક્ટર શ્રી સંદીપભાઈ દેસાઈ તથા સુમુલ ડેરીના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ પાઠક દ્વારા સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જેમાં શુદ્ધ,સાત્વિક અને ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન રાહતદરે કંડારો,કર્મચારી,દૂધ મંડળીના સભાસદો અને અન્ય તમામ મુલાકાતીઓ માટે ઉપલબ્ધ રહેશે. શ્રી રાજુભાઈ પાઠકે જણાવ્યું હતું કે ઘણા સમયથી બહારગામથી આવતાં લોકોને સસ્તાભાવે ભોજન મળી રહે તે માટે સુમુલ ડેરીનું વહીવટીતંત્ર વિચારણા કરી રહ્યું હતું જેથી આજરોજ આ કેન્ટીન સુમુલ ડેરીના વહીવટીતંત્ર દ્વારા કાર્યરત કરવામાં આવી છે જેનો લાભ લેવા માટે તેમણે ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો.

ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય અને સુમુલ ડેરીના ડીરેક્ટર શ્રી સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સુરત જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહયો છે અને સુમુલ ડેરીનું કામકાજ પણ હાલ વિસ્તરણ પામી રહ્યું છે ત્યારે સુમુલ ડેરીમાં રોજગારી માટે આવતા શ્રમજીવીઓ,કામદાર,કર્મચારીઓ,સભાસદો તથા અન્ય મુલાકાતીઓ માટે સવારનો પૌષ્ટિક નાસ્તો અને યોગ્ય ગુણવતાવાળું સાત્વિક અને શુદ્ધ ભોજન રાહત દરે મળી રહે તે માટે સુમુલ ડેરીના વહીવટી તંત્ર તરફથી અનોખો પ્રયાસ કરાયો છે. આ માટે દરરોજ યોગ્ય ગુણવત્તાવાળું ભોજન સમયસર ઉપલબ્ધ થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તેમણે સુમુલ ડેરીના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યાં હતા તેમજ અન્નનો બિનજરૂરી બગાડ ન થાય તેનું ધ્યાન રાખવા પણ ટકોર કરી હતી.