વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં બે માસ સુધી પરિભ્રમણ કરશે


ઇકબાલ મેમણ
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારુ આયોજન માટે બેઠક યોજાઇ. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. ૨૧ નવેમ્બર ૨૦૨૩ થી બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાને ચાર આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથના ગામોમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે. જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન જિલ્લામાં સો ટકા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે એ માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ જણાવ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં ૫૧૮ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે અને રોજના બે ગામોમાં મુકામ કરશે. આ માટે જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડેલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે. પરિભ્રમણના રૂટ, ગામડાઓમાં ગ્રામ સભા, આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે. સરકારની યોજનાને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઇ જવા માટે પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ના જાય એ પ્રયત્નો કરવા સૂચના આપી હતી. ગામેગામ આ યાત્રાનું સ્વાગત, મેસેજ પ્લેયિંગ, લાભાર્થીઓની સફળ વાત સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ, હિંમતનગર પ્રાંતશ્રી જયંત કિશોર સહિતના જિલ્લા અને તાલુકાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *