
ડાંગમાં પરિભ્રમણ કરી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’મા PMO કાર્યાલયના નિયામકશ્રી જોડાયા

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: ૨૩: ‘રાષ્ટ્રહિત સર્વોપરી’ ની ભાવના સાથે સૌને સને ૨૦૪૭ ના વિકસિત ભારતનો સંકલ્પ લેવાનો અનુરોધ કરતા, નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયના વરિષ્ઠ સનદી અધિકારી એવા નિયામક સુશ્રી એશ્વર્યા સિંઘે, પાત્રતા ધરાવતો એક પણ લાભાર્થી યોજનાકિય લાભોથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી.

ડાંગ જિલ્લામાં ચાલી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુલાકાતે પધારેલા PMO નાં નિયામકશ્રીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની શ્રેણીબદ્ધ યોજનાઓની જાણકારી સાથે લાભ લેવાની પણ ઉમરપાડા સહિતના ગામોના ગ્રામજનોને અપીલ કરી હતી.
દરમિયાન ઉમરપાડા ગામે ઉપસ્થિત રહેલા આહવા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો મુખ્ય હેતુ છેવાડાના માનવીઓ જેઓ સરકારી યોજનાથી વંચિત હોય તેઓ સુધી સરકારી યોજનાઓની માહિતી પહોચાડવાનો છે. ત્યારે આ યાત્રાનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. તેમજ અચુકથી આયુષ્યમાન કાર્ડ યોજનાનો કાર્ડ મેળવી લેવા પણ લોકોને અનુરોધ કર્યો હતો.

ઉમરપાડા ગામે ‘રથ નંબર-૨’ ના સથવારે આયોજિત કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કી-વિતરણ, સોઇલ હેલ્થ કાર્ડ, ઉજ્જ્વલા યોજના કીટ વિતરણ, વિધવા સહાય પ્રમાણપત્ર, લેંડ રેકર્ડ કામગીરી પ્રમાણપત્ર, પી.એમ.જે.વાય કાર્ડ વિતરણ, ટી.એચ.આર યોજના અંતર્ગત કીટ વિતરણ તેમજ સ્વસ્થ બાળક સ્વાસ્થય યોજનાના પ્રમાણપત્ર વિતરણ કરવામા આવ્યુ હતુ.
કાર્યક્રમમા બેન્કિંગ ક્ષેત્ર સહિત આરોગ્ય વિભાગ, પશુપાલન, મહિલા અને બાળ કલ્યાણ, મિશન મંગલમ, ખેતીવાડી સહિતના વિભાગોએ તેમની યોજનાકિય જાણકારીઓ પ્રજાજનો સુધી પહોંચાડવા સાથે વિવિધ પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી કરી હતી.
ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ આગામી વર્ષ ૨૦૪૭ સુધીના વિકસિત ભારતમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું ‘પ્રણ’ ગ્રહણ કર્યું હતું. તો વિવિધ યોજનાના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત તેમના અભિપ્રાયો પણ વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમના ભાગરૂપે વિકસિત ભારતનો સંદેશ આપતા વડાપ્રધાનશ્રીની કાર્યક્રમ સંબંધિત ફિલ્મનું નિદર્શન, યોજનાકિય સાહિત્યનું વિતરણ, આરોગ્ય અને પશુ આરોગ્ય વિભાગના નિદાન અને સારવાર કેમ્પ, ડ્રોનથી દવા છંટકાવનું નિદર્શન, સ્વચ્છતા વિષયક શેરી નાટક (ભવાઈ) ની પ્રસ્તુતિ, તજજ્ઞો દ્વારા યોજનાકિય જાણકારી, ધરતી કરે પુકાર નૃત્ય નાટિકા, વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ, પ્રતિભાશાળીઓનું સન્માન જેવા કાર્યક્રમો સહિત જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગેની જનજાગૃતિ પણ કેળવવામાં આવી હતી. કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયત સદસ્ય શ્રી દેવરામભાઇ જાદવ, VBSYના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, ICDS ના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી જ્યોત્સના પટેલ, આહવા મામલતદાર શ્રી ભરતભાઇ ચાવડા, આહવા તાલુકા વિકાસ અધિકારી સુશ્રી ડો.કલ્પના નાયર, સહિતના ઉચ્ચાધિકારીઓ, તાલુકા/જિલ્લાના અધિકારી, કર્મચારીઓ, રથના ગ્રામ્ય અને તાલુકાના નોડલ ઓફિસરો, ગ્રામજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.