ડાંગ જિલ્લાના નડગચોંન્ડ અને મોરઝીરા ગામે પહોંચી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’

વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ સહિત વહિવટી તંત્રના ઉચ્ચાધિકારીઓ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’મા ઉપસ્થિત રહ્યા :

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ત્યારે વઘઇ તાલુકાના સરહદી ગામ નડગચોંડ ખાતે પહોંચેલી યાત્રા દરમિયાન, છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ પહોચે, તેમજ દરેક યોજનાઓનો લોકો લાભ લે તે આવશ્યક છે તેમ, ડાંગના ધારાસભ્ય તેમજ વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ.

તેમણે જણાવ્યુ હતુ કે, સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક વંચિતોને મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે દરેક ગ્રામ પંચાયતમા ભ્રમણ કરી રથ સાથે આરોગ્ય અને પશુ કેમ્પની સુવિધાઓનો લાભ પણ લોકો લે તે જરૂરી છે.

જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની મોટાભાગની દરેક યોજનાઓનો લાભ ડાંગ જિલ્લાના લાભાર્થીઓને આપવામાં આવ્યો છે, તેમ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને જણાવ્યુ હતુ. તેમણે વધુમાં કહ્યું કે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો મુખ્ય હેતુ છેવાડાના માનવીઓ જેઓ સરકારી યોજનાથી વંચિત હોય તેઓ સુધી સરકારી યોજનાઓની માહિતી પહોચાડવાનો છે. ત્યારે આ યાત્રાનો લાભ લેવા માટે તેમણે લોકોને અનુરોધ કર્યો હતો.

નડગચોંન્ડ અને મોરઝીરા ગામમા રથના સથવારે આયોજિત કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કી-વિતરણ, સોઇલ હેલ્થ કાર્ડ, ઉજ્જ્વલા યોજના કીટ વિતરણ, વિધવા સહાય પ્રમાણપત્ર, લેંડ રેકર્ડ કામગીરી પ્રમાણપત્ર, પી.એમ.જે.વાય કાર્ડ વિતરણ, ટી.એચ.આર યોજના અંતર્ગત કીટ વિતરણ તેમજ સ્વસ્થ બાળક સ્વાસ્થય યોજનાના પ્રમાણપત્ર વિતરણ કરવામા આવ્યુ હતુ.

કાર્યક્રમમા બેન્કિંગ ક્ષેત્ર સહિત આરોગ્ય વિભાગ, પશુપાલન, મહિલા અને બાળ કલ્યાણ, મિશન મંગલમ, ખેતીવાડી સહિતના વિભાગોએ તેમની યોજનાકિય જાણકારીઓ પ્રજાજનો સુધી પહોંચાડવા સાથે વિવિધ પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી કરી હતી.

ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ આગામી વર્ષ ૨૦૪૭ સુધીના વિકસિત ભારતમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું ‘પ્રણ’ ગ્રહણ કર્યું હતું. તો વિવિધ યોજનાના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત તેમના અભિપ્રાયો પણ વ્યક્ત કર્યા હતા.

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત ડાંગ જિલ્લામા નડગચોંન્ડ અને મોરઝીરા ગામમા યોજાયેલ રથ કાર્યક્રમમા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો લાઇવ કાર્યક્રમ લોકોએ નિહાળ્યો હતો.

કાર્યક્રમના ભાગરૂપે વિકસિત ભારતનો સંદેશ આપતા વડાપ્રધાનશ્રીની કાર્યક્રમ સંબંધિત ફિલ્મનું નિદર્શન, યોજનાકિય સાહિત્યનું વિતરણ, આરોગ્ય અને પશુ આરોગ્ય વિભાગના નિદાન અને સારવાર કેમ્પ, ડ્રોનથી દવા છંટકાવનું નિદર્શન, સ્વચ્છતા વિષયક શેરી નાટક (ભવાઈ) ની પ્રસ્તુતિ, કાર્યક્રમો સહિત જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગેની જનજાગૃતિ પણ કેળવવામાં આવી હતી.

કાર્યક્રમમાં વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, માજી પ્રમુખ શ્રીમતી શંકુતલાબેન, નડગચોંન્ડ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી અરૂણાબેન ભોયે, માજી સરપંચ શ્રી ગોંવિદભાઇ, ભાજપ મહામંત્રી શ્રી દિનેશભાઇ ભોયે તેમજ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ, VBSYના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, વઘઇ મામલતદાર શ્રી એમ.આર. ચૌધરી, વઘઇ તાલુકા વિકાસ અધિકારી શ્રી સુહાસ ગંવાદે સહિતના ઉચ્ચાધિકારીઓ, તાલુકા/જિલ્લાના અધિકારી, કર્મચારીઓ, રથના ગ્રામ્ય અને તાલુકાના નોડલ ઓફિસરો, ગ્રામજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે મોરઝીરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રી કમલેશભાઈ વાઘમારે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર તથા તાલુકા વિકાસ અધિકારી સુશ્રી અલ્પના નાયર સહિત સ્થાનિક પદાધિકારીઓ, ફરજ પરના અધિકારી, કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી યાત્રાનો સંદેશ વહેતો કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *