સાબરકાંઠામાં પોશીના તાલુકાના પોશીના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ ઉત્સાહભેર કરાયો

ઇકબાલ મેમણ હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકાના પોશીના અને આંબા મહુડા ગામે જિલ્લા પ્રભારી સચિવ શ્રી એસ.મુરલી ક્રિષ્નન અને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના પોશીના અને આંબા મહુડા ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.
આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિસાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર, ભૂમિ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગામના રમતવીર નાથુભાઈ ગમાર, દોડમાં રાષ્ટ્રીય લેવલે આ વિસ્તારનું નામ કરનાર દીકરી અંજના બુબડિયા, સફળ દિવ્યાંગ મહિલા તાનારીરી એવોર્ડ વિનર સુશ્રી આસ્થાના બાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. શાળાના બાળકોએ ધરતી કરે પુકાર નાટક રજૂ કરી પોષણ, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી દેશના અલગ અલગ રાજ્યના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખેડબ્રહ્મા પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિન કોટવાલ, પોશીના તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સવિતાબેન પરમાર, ખેડબ્રહ્મા પ્રાંત સુશ્રી વંદનાબેન પરમાર અને પ્રાંત શ્રી ગઢવી, પોશીના તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામના સરપંચશ્રી, જન પ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *