મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લા જાહેર સુખાકારીમાં વૃધ્ધિ માટેના અવિરત પ્રયાસો થઇ રહ્યા છે, ત્યારે ગરીબ પરીવારોને આજે મળેલ ઘરનું ઘર તેમની જન સુખાકારીમાં વધારો કરશે. તેમણે કહ્યું કે, રાજ્યની નિર્ણાયક અને સંવેદનશીલ સરકાર રાજ્યમાં ચોતરફ વિકાસ કરી રહી છે. વિકાસના મંત્રને લઇને આ સરકાર દિવ- રાત સામાન્ય થી સામાન્ય અને છેવાડાના માનવીના વિકાસની દરકાર કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાત છે અન્ન, પાણી અને આવાસ જેના અનુલક્ષીને આજે અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરના ઘરની ભેટ મળી છે. જે અમદાવાદવાસીઓના ગરીબ પરીવારોના ઘરના ઘર માટે જોયેલા સ્વપ્નને પરિપૂર્ણ કરવા સરકારની કટિબધ્ધતા દર્શાવે છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા દેશ અને ગુજરાત રાજ્યના અનેક ઘરવિહોણા, વર્ષોથી ઝૂંપડપટ્ટીમાં રહીને પડકારોનો સામનો કરતા ગરીબ પરીવારોને માથે છત- પાકા મકાન મળ્યા છે જેના થકી આ ગરીબ પરીવારોની દુઃખનો સુખદ અંત આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શહેરી ગરીબોને આવાસ આપવાનું કામ ઘણું કઠિન છે, છતાંય રાજ્ય સરકારે કટિબધ્ધાપૂર્વકએ કામ ઉપાડ્યું છે અને એ દિશામાં સંખ્યાબંધ આવાસો નાગરિકોને અર્પણ પણ કર્યા છે.તેઓએ વધુમાં ઉમેર્યુ કે, નાગરિકોના ઘરના ઘરનું સ્વપ્ન પૂરૂં થાય તે માટે અફોર્ડેબલ હાઉસિંગ દ્વારા સસ્તા દરે મકાન પણ ઉપલબ્ધ બનાવવામાં આવ્યાં છે. માત્ર રૂા. ૫.૫૦ લાખની નજીવી રકમે અને સરકાર દ્વારા રૂા. 3 લાખ રૂપિયાની સબસિડી દ્વારા ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને અફોર્ડેબલ હાઉસિંગ મળ્યા છે જે રાજ્ય સરકારની સંવેદનશીલતાના દર્શન કરાવે છે. અમદાવાદ શહેરમાં ખૂબ જ ટૂંકા ગાળામાં નિર્માણ પામેલ બી.આર.ટી.એસ. સુવિધા, રિવરફ્રન્ટ યોજના જેવી સુવિધાઓએ અમદાવાદ શહેરને એક વિકસતા શહેર તરીકે ખ્યાતી અપાવીને દિવસે દોડતું અને રાત્રે વિકસતા આ નગરને ક્રમશ: વિશ્વના નકશા પર ઝળહળતું કર્યુ હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. શહેરીકરણ અને ઉત્કૃષ્ટ નગર આયોજનમાં અમદાવાદ શહેર સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં કાર્યરત આરોગ્ય, પાણી, શિક્ષણ, રસ્તા, ગટર જેવી પાયાની સુવિધાઓના વિશાળ અને માઇક્રો પ્લાનિંગના સુવ્યવસ્થિત આયોજનના કારણે આ શક્ય બન્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, અમદાવાદ જિલ્લા શહેરી વિસ્તારમાં મહેસૂલી કાયદા મુજબ પરવાનગી મેળવ્યા વગર થઇ ગયેલા બાંધકામને કાયદેસર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સૂચિત સોસાયટીનો ક્રાંતિકારી કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. જેના દ્વારા શહેરના લાખો લોકોએ પરવાનગી વગર બાંધેલા મકાનોને કાયદેસરતા મળી છે. જેનાથી લોકોને પોતાની મિલકતના હક્ક મળ્યા છે અને તેને સંબંધિત અન્ય લાભો માટે તેમને કાયદાની સ્વીકૃતિ મળી છે. પોતાનું મકાન કાયદેસર ન હોવાને કારણે ગમે ત્યારે સરકારી હથોડો પડે તેના ડરમાંથી મુક્તિ મળી છે અને સામાન્ય માનવીને નિરાંત અને શાંતિ મળી છે.
આજે સૂચિત સોસાયટી કાયદા હેઠળ ૧૧૦૦ થી વધુ લાભાર્થીઓને મંજૂરી હુકમ, દાવા પ્રમાણપત્ર, નો ડ્યુ સર્ટિફિકેટ તથા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ અમદાવાદ જિલ્લાના નગરજનોને લાભદાયી નિવડશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. તદઉપરાંત આજે સાબરમતી ખાતે નવીન મામલતદાર કચેરીનું પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અત્યાર સુધી આ કચેરી કલેક્ટર કચેરી ખાતે કાર્યરત હતી પરંતુ આ કચેરીના નવીન બાંધકામ માટે સરકાર દ્વારા રૂ. ૯.૫૭ કરોડના ખર્ચે આ નૂતન અધ્યતન સુવિધા ધરાવતાં સાબરમતી મામલતદાર કચેરી કાર્યરત કરવા મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અંદાજિત રૂા.૪૧૫ કરોડના ખર્ચે અમદાવાદ શહેરી વિસ્તાર,ઔડા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ કાર્યોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય વિસ્તરની મહિલા અને બાળ વિકાસ વિભાગના બાળ વિકાસ અધિકારીશ્રીની ઘટક કચેરીના ઇ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યકમમાં સાણંદના ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.ડી.પ્રજાપતિ, પ્રોગ્રામ ઓફિસરશ્રી નરેન્દ્ર સિહ રાઠોડની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાની ૦૧- ઘટક કચેરી અને ૦૩ આંગણવાડી કેન્દ્રોનું ઇ-લોકાર્પણ તથા ૧ આંગણવાડીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આવાસો અને દૂકાનોના પુર્નવસન કાર્યક્રમ અને વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજા, , સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મેયર શ્રીમતી બિજલબેન પટેલ,અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર શ્રી મુકેશકુમાર,જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાંગલે,જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશબાબુ અધિકારીશ્રીઓ, ઔડાના પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી :-
• નાગરિકોની મુખ્ય ત્રણ જરૂરિયાત અન્ન, પાણી અને મકાનને ઉપલબ્ધ કરાવવાં- સંતોષવાં સરકાર રાત – દિવસ મહેનત કરી રહી છે
• ટૂંકા ગાળામાં સંખ્યાબંધ આવાસો નાગરિકોને અર્પણ કરીને નાગરિકોના “ ઘરના ઘર ”નાસ્વપ્નને સાકાર કર્યું છે
• શહેરીકરણ અને ઉત્કૃષ્ઠ નગર આયોજનના કારણે અમદાવાદ શહેર સમગ્ર દેશમાં મોખરે
• સૂચિત સોસાયટીના ક્રાંતિકારી કાયદો થકી સામાન્ય માનવીને નિરાંત અને શાંતિમળી છે
• ગુજરાત સરકારના વિકાસની વણથંભી વણઝાર થકી સુખ, સુવિધા અને સુખાકારીનીપરિકલ્પના સાકાર થઇ છે




