‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીના ઉપલક્ષ્યમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ ક્ષેત્રની ૬૫ મહિલાઓનું સન્માન કરાયું

ગંગાબેન પાટિલના હસ્તે સમાજસેવા, કલા, લેખન રમત-ગમત, પોલીસ, તબીબી અને પત્રકારત્વ ક્ષેત્રમાં આગવું યોગદાન આપનાર મહિલાઓ સન્માનિત

‘બદલાતા સમયમાં દરેક ક્ષેત્રમાં ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહેલી મહિલાઓ દેશના વિકાસમાં પોતાના અમૂલ્ય યોગદાન થકી પ્રગતિની નવી રાહ ઘડી રહી છે’:ધારાસભ્ય સંગીતાબેન પાટિલ

‘તા.૮મી માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીના ઉપલક્ષ્યમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ ક્ષેત્રની ૬૫ મહિલાઓનું સન્માન કરાયું હતું. જેમાં સમાજસેવા, કલા, લેખન રમત-ગમત, પોલીસ, તબીબી અને પત્રકારત્વ સહિતના વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી મહિલાઓને ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટિલના હસ્તે સન્માનિત કરાઈ હતી. છેલ્લા ૩૧ વર્ષોથી નવી સિવિલ હોસ્પિટલ-સુરત દ્વારા દરવર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ ક્ષેત્રની મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, આ પરંપરા અનુસાર આ વર્ષે પણ આયોજિત મહિલા દિવસની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટિલે જણાવ્યું હતું કે, સમય સાથે તાલ મિલાવી સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર બની રહી છે. વડાપ્રધાનશ્રી દ્વારા મહિલા સશક્તિકરણને અપાતા પ્રોત્સાહન અને મહિલાલક્ષી યોજનાઓના પગલે સામાજિક અને આર્થિક રીતે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.

દરેક ક્ષેત્રમાં ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહેલી મહિલાઓ દેશના વિકાસમાં પોતાના અમૂલ્ય યોગદાન થકી પ્રગતિની નવી રાહ ઘડી રહી છે. આ પ્રસંગે પ્રદેશ સંગઠન અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટિલના ધર્મપત્ની શ્રીમતી ગંગાબેન પાટિલે આરોગ્ય જગતમાં તબીબો અને નર્સની મહત્વપૂર્ણ એવી ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આત્મીયતાના ભાવ સાથે દર્દીઓ પ્રત્યેની સેવા-ભાવનાને ઉત્તમ ગણાવી તેમની સરાહના કરી હતી. દરેક તબક્કે પુરુષની સફળતામાં સહભાગી બનતી ગૃહિણીઓનું મહત્વ દર્શાવતા શ્રીમતી પ્રાચીબેન સંઘવીએ પણ સ્ત્રીઓના સાહસ અને સંઘર્ષને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં નર્સિંગ એસોસિએશન દ્વારા મહાનુભાવોને અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય અને દિવ્ય એવા શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડૉ.કેતન નાયક, મેડિકલ કોલેજના ડીન ડૉ.રાગિણી પરમાર, અધિક તબીબી અધિક્ષક ડૉ. ધારિત્રી પરમાર, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, નર્સિંગ કોલેજના આચાર્ય ઇન્દ્રાવતી રાવ, ટીબી એ ચેસ્ટ વિભાગના હેડ અને નર્મદ યુનિ.ના એક્ઝિક્યુટિવ મેમ્બર ડૉ.પારૂલ વડગામા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ રજનીબેન ગોસ્વામી, ચલથાણ શુગરના ડિરેક્ટર લીનાબેન દેસાઇ, ટ્રાન્સપોર્ટ કમિટીના પૂર્વ ચેરમેન રમીલાબેન પટેલ, નર્સિંગ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ દીપકમલ વ્યાસ, નર્સિંગ ફેકલ્ટીના વિદ્યાર્થી સલાહકાર કમલેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM