
એલ. એન્ડ ટી. કંપનીના સહયોગથી કોમ્પ્યુટર લેબ અને GWRS – ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ પ્રોજેક્ટનું વનમંત્રીના હસ્તે લોકાર્પણ
ડિજીટલ ટેકનોલોજીના યુગમાં અટલ ટીંકરીંગ લેબના ઉપયોગથી શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસમાં સ્માર્ટ બનશે: વન મંત્રી મુકેશભાઈ પટેલ



વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના દિહેણ ગામે નીતિ આયોગ અને એલ. એન્ડ ટી. કંપનીના CSR – કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત આર્થિક યોગદાનથી એમ.આર.સી હાઈસ્કૂલમાં રૂ.૪૯ લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ અટલ ટીંકરીગ લેબને ખુલ્લી મૂકવામાં આવી હતી. તેમજ GWRS – ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ પ્રોજેક્ટનું મંત્રી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અટલ લેબમાં ૪૧ ઓલ ઈન વન ડેસ્કટોપ, દરેક કોમ્પ્યુટરમાં એન્ટી વાયરસ સિસ્ટમ, LED લાઈટ, ૬ એ.સી. વાઈફાઈ, પ્રિન્ટર, યુપીએસ સહિત ફર્નિચરની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવી પેઢી એવા વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. ભવિષ્યમાં દેશના વિકાસની જવાબદારી ભાવિ પેઢીના શિરે છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ સંચાલિત અટલ ઈનોવેશન મિશન હેઠળ ધો.૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ સાયન્સ અને ટેકનોલોજીમાં ઊંડો રસ લઇ ડિજીટલ ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસમાં સ્માર્ટ બને, શાળામાં જ સંશોધન કરી શકે તે હેતુથી અટલ ટીંકરીંગ લેબ ખૂબ ઉપયોગી છે, ત્યારે વિદ્યાર્થીઓએ આ સ્માર્ટ લેબનો વધુમાં વધુ લાભ લઈ જ્ઞાનશક્તિમાં વધારો કરે તે જરૂરી છે. સંગીત, ચિત્ર, રમત ગમત સાથે કોમ્પ્યુટર શિક્ષણ પણ અતિ આવશ્યક છે એમ તેમણે જણાવ્યું હતું. આ સાથે GWRS – ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ પ્રોજેક્ટથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાથી પાણીના સ્તર ઉચા આવશે. કોમ્પ્યુટર લેબના ઉપયોગથી શાળાના વિદ્યાર્થીઓ સ્માર્ટ બનશે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે તા. પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, મહામંત્રી કુલદીપસિંહ, એલ એન્ડ ટી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ સંજયભાઈ દેસાઈ, ઇલેક્ટ્રિક, એડમિન અને સીએસઆર ડિપાર્ટમેન્ટના મહેશભાઈ જોશી, સીએસઆરના આસિસ્ટન્ટ મેનેજર માનસી દેસાઈ, સીએસઆર કોર્ડીનેટર પ્રિયંકા શિરકે, શાળાના આચાર્ય પ્રતીક્ષાબેન સહિત ગ્રામજનો, શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા -૦૦-
