ભારતના રાષ્ટ્રપતિએ ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારંભની શોભા વધારી

શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને આધુનિક વિશ્વના સમુદાયના સક્ષમ નાગરિકો બનાવવા પ્રયાસ કરવો જોઈએઃ રાષ્ટ્રપતિ કોવિંદ

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને આધુનિક દુનિયાના સમુદાયના નાગરિકો બનવા સક્ષમ બનાવવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે આજે (23 ફેબ્રુઆરી, 2021) ગાંધીનગરમાં ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત આપણા દેશને ‘નોલેજ સુપરપાવર’ બનાવવાના ઉદ્દેશ સાથે ભારતીય મૂલ્યો પર આધારિત આધુનિક જ્ઞાન-વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહન આપવા પ્રયાસો કરવામાં આવ્યાં છે. નવી શિક્ષણ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ સતત પરિવર્તન પામતી દુનિયામાં વિદ્યાર્થીઓને તેમની ફરજો પ્રત્યે જાગૃત કરવાનો પણ છે. આપણી શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને આધુનિક દુનિયાના સમુદાયના સક્ષમ નાગરિકો બનાવવા પ્રયાસ કરવો જોઈએ. વળી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જનહિત અને નૈતિકતાના મહત્વ પર પણ વિશેષ ભાર આપવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય મૂલ્યો પર ખાસ ભાર મૂકીને જ આપણે આપણી શૈક્ષણિક સંસ્થાઓ અને પશ્ચિમી વિચારો પર આધારિત વિદેશી શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ફરક પેદા કરી શકીશું.

રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણી વૈશ્વિક વિચારસરણીનું હાર્દ છે – મજબૂત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ. સ્થાનિક સંસાધનો, અનુભવો અને જ્ઞાનનો ઉપયોગ સ્વનિર્ભરતા માટે કરવો પડશે. વિદ્યાર્થીઓ સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરવાની સાથે સંશોધન અને નવીનતા દ્વારા સ્થાનિક વિકાસને વેગ આપીને ખરાં અર્થમાં તેમના શિક્ષણને ઉપયોગી બનાવી શકે છે. તેમણે કહ્યું હતું કે, આપણે હંમેશા યાદ રાખવું પડશે કે આપણા શિક્ષણથી વ્યક્તિગત લાભ ઉપરાંત આપણા સમાજ અને દેશને પણ ફાયદો થવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, વિકાસની સફરમાં પ્રમાણમાં પાછળ રહી ગયેલા લોકોના ઉત્થાન માટે પ્રયાસો કરીને વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં પ્રદાન કરી શકશે.

રાષ્ટ્રપતિએ આનંદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર આશરે 55 ટકા વિદ્યાર્થીઓ છોકરીઓ છે અને આજના પદવીદાન સમારંભમાં 21 મેડલમાંથી 13 મેડલ છોકરીઓએ મેળવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ યુનિવર્સિટીની મોટી સફળતા છે. આ આપણા સમાજમાં પરિવર્તનનો સંકેત છે અને નવા ભારતની ઝાંખી રજૂ કરે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આશરે 30 રાજ્યોના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, 85 ટકાથી વધારે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. તેમણે કહ્યું હતું કે, આ રીતે યુનિવર્સિટીનું કેમ્પસ મિનિ-ઇન્ડિયા જેવું છે અને આપણી રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે. તેમણે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને ગુજરાતના લોકોમાંથી આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને સ્વરોજગારી મેળવવાના ઉત્સાહમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *