જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યકાળ દરમિયાન આંગણવાડી,આરોગ્ય કેન્દ્ર અને શિક્ષણ ક્ષેત્રના વિકાસને મળી નવી દિશા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલી બાદ વડોદરામાં કાર્યકાળથી સંતોષ વ્યક્ત કરતા શ્રીમતી હિરપરા
(વડોદરા, તા.૧૩ મે ૨૦૨૬, બુધવાર) વડોદરા જિલ્લાના ગ્રામીણ વિકાસમાં અગત્યની ભૂમિકા અદા કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થઇ છે. વડોદરામાં તેમના કાર્યકાળ દરમિયાન મહિલા અને બાળ સુરક્ષા જેવા વિષયોમાં મહત્વપૂર્ણ કામગીરી થઇ છે, આ બદલ શ્રીમતી હિરપરાએ બદલી ટાણે સંતોષ વ્યક્ત કર્યો છે.
વર્ષ ૨૦૨૩માં વડોદરામાં નિમણૂંક પામેલા શ્રીમતી હિરપરાએ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ત્રણ વર્ષ કરતા પણ વધુ ફરજ નિભાવી છે. તેમણે ખાસ કરીને મહિલા અને બાળ સુરક્ષા ઉપર ખાસ લક્ષ્ય આપ્યું હતું. તેઓ સતત આંગણવાડીઓ, આરોગ્ય કેન્દ્રો અને વિવિધ ગ્રામપંચાયતોની મુલાકાત લેતા જોવા મળ્યા હતા.
તેમના કાર્યકાળ દરમિયાન વડોદરા જિલ્લામાં ૨૫૦ જેટલી આંગણવાડીઓના મકાન નવા બનવા, નવીનીકરણ કરવું, આધુનિકીકરણ કરવા સહિતની બાબતોને લક્ષ્ય આપવામાં આવ્યું હતું. જેના પરિણામો આજે ગ્રામ્ય સ્તરે દેખાઇ રહ્યા છે. વિશેષતઃ લોકભાગીદારીનું સ્તર વધારવામાં તેમને સફળતા મળી હતી. આંગણવાડી કેન્દ્રોને નવા સ્ટીલના વાસણો મળ્યા છે. પ્રાથમિક શાળાના નવા વર્ગખંડોના નિર્માણમાં તેમની ભૂમિકા અગત્યની રહી છે.
આ ઉપરાંત તેમણે કૃશ સે કૃષ્ણા તક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં કુપોષિત બાળકોની સંભાળ લેવામાં આવી હતી. આ અભિયાન હેઠળ અઢી હજાર કરતા પણ વધુ બાળકોને સુપોષિત કરી શકાયા છે. કુપોષિત બાળકોને સંજીવિની કેન્દ્રોમાં દાખલ કરાવવા સહિતની બાબતોનું તેમણે સતત નિરીક્ષણ કર્યું હતું.
૨૦૦ જેટલી ગ્રામ પંચાયતોને નવી મકાન બનાવવા, તાલુકા વિકાસ અધિકારી આવાસ, વડોદરા તાલુકા પંચાયતની નવી કચેરી સહિતની બાબતોમાં સક્રીય કામગીરી કરી છે. જેમાંથી ઘણી ગ્રામ પંચાયતોના નવીન મકાનોના કામ પણ પૂર્ણ થયા છે. તદ્દઉપરાંત, જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત તેજસ્વી વિદ્યાર્થિનીઓને પુરસ્કાર આપવાનું નિયત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે લેબર બેડ પણ ખરીદવામાં આવ્યા હતા.
નાણાપંચના કામો ૮૦ ટકા સુધી પૂર્ણ કરાવવા ઉપરાંત ગ્રામ પંચાયતોના વેરા પેટે રૂ. ૪૫ કરોડ જેટલી રકમની આવક કરાવવા તેમને સફળતા મળી હતી.
એક વાતચિત દરમિયાન શ્રીમતી મમતા હિરપરાએ તેમણે વડોદરા પ્રત્યે ખાસ અનુગ્રહ વ્યક્ત કર્યો હતો. કારણે તેઓ આ પૂર્વે જ્યારે વડોદરામાં જ ફરજ બજાવતા હતા ત્યારે તેમનું આઇએએસમાં સિલેકશન થયું હતું. વડોદરામાં ફરજ દરમિયાન અનેક બાબતોમાં નવું શીખવા અને જાણવા મળ્યું છે. જે આજીવન સ્મરણમાં રહેશે.
