શિક્ષકો માત્ર જ્ઞાન જ નહીં પરંતુ સંસ્કારી અને જવાબદાર નાગરિકોનું ઘડતર કરે તે સમયની જરૂરિયાત: પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી

મહેસાણાના સાર્વજનિક વિદ્યા સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ રાજ્ય સરકારના શિક્ષણ ક્ષેત્રે થયેલા નવતર પ્રયોગોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત ૧૦,૧૬૪ જેટલા શાળા છોડી ગયેલા બાળકોને શોધીને તેમને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને રાજ્ય સરકારના આયોજનથી હજારો બાળકોના ભવિષ્યને નવી દિશા મળી છે.

શિક્ષકોની ભૂમિકા વિશે વિગતવાર વાત કરતા મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે શિક્ષક પોતે જ સ્વયંમાં સન્માનિત વ્યક્તિત્વ છે. નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવતા તમામ શિક્ષકો સાચા અર્થમાં સન્માનને પાત્ર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળક મોટો થઈને ગમે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધે, પરંતુ તે એક સંસ્કારી અને જવાબદાર નાગરિક બને તે જોવાની પાયાની જવાબદારી શિક્ષકોની છે. સમાજમાં વયસ્કો પ્રત્યે આદર રાખતો ઉત્તમ નાગરિક ઘડવો અને વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત તથા દેવામુક્ત પરિવાર બનાવવાની પ્રેરણા આપવી એ જ સાચા અર્થમાં શિક્ષણની સાર્થકતા છે. કળિયુગના આ સમયમાં બાળકોમાંથી દાનવ વૃત્તિ દૂર કરી દેવ વૃત્તિ જાગ્રત કરવાનું પવિત્ર કાર્ય શિક્ષકો જ કરી શકે છે.

રોજગારી અને અર્થતંત્રના પાસાઓ પર પ્રકાશ પાડતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે દેશના કુલ એમ્પ્લોયમેન્ટ સેક્ટરમાં કૃષિ ક્ષેત્રનું ૪૮ ટકા જેટલું મોટું યોગદાન હોવા છતાં આજે ખેડૂતોના બાળકો માત્ર નોકરી તરફ વળી રહ્યા છે. હવે સમય પાકી ગયો છે કે શિક્ષકો વિદ્યાર્થીઓમાં એવો આત્મવિશ્વાસ અને આંતરિક ઊર્જા જગાડે જેથી તેઓ ખેતી અને અન્ય આનુષંગિક ક્ષેત્રોમાં નવી રોજગારીની સંભાવનાઓ અને સાહસ ઊભા કરી શકે. શિક્ષણનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓમાં પુસ્તકિયા જ્ઞાનની સાથે સાચો અને વિધાયક દ્રષ્ટિકોણ કેળવવાનું પણ હોવું જોઈએ.

આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘કન્યા કેળવણી પ્રવેશોત્સવ’ જેવા અભિયાનો દ્વારા શિક્ષણ ક્રાંતિનો પાયો નાખ્યો હતો. આજે ૨૫ વર્ષ બાદ આ અભિયાનોની સફળતા સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન દ્વારા શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહમાં લાવવાનું કાર્ય બાળકના ઉજ્જવળ ભવિષ્યનો સાચો પાયો છે. આ અવસરે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને કર્મયોગીઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શરદભાઈ ત્રિવેદીએ અભિયાનની રૂપરેખા આપી હતી.

આ ગરિમામય કાર્યક્રમમાં મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા, મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, જિલ્લા કલેકટરશ્રી શાલિની દુહાન તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનોજભાઈ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન શ્રી હસમુખભાઈ, અગ્રણી શ્રી મિલનભાઈ ચૌધરી તથા બીઆરસી, સીઆરસી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *