
વિમુક્ત, વિચરતી તથા અર્ધ-વિચરતી જનજાતિઓના ગૌરવશાળી સંઘર્ષ, અધિકારો અને સશક્તીકરણની યાત્રાને યાદ કરવા તેમજ સમાજમાં તેમની ઓળખ, અસ્તિત્વ અને પ્રશ્નો અંગે જાગૃતિ વધારવાના હેતુથી ડી.એન.ટી. ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આજે ટાઉન હોલ, ગાંધીનગર ખાતે “ડી.એન.ટી. મુક્તિ દિવસ” નિમિત્તે એક વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
DNT ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ ડી.એન.ટી. મુક્તિ દિવસ’ નિમિત્તે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ઉપસ્થિત વિવિધ જાતિ-સમાજના નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે ૩૧મી ઓગસ્ટના રોજ અંગ્રેજોના શાસન સમયના કાળા કાયદામાંથી મુક્તિ મેળવવાના આ ઐતિહાસિક દિવસની વિચરતી અને વિમુક્ત જાતિઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ”ના મંત્ર તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના ‘અંત્યોદય’ના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, વિકાસના તમામ લાભો સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વિચરતી અને વિમુક્ત જાતિઓના સર્વાંગી ઉત્કર્ષ અને આત્મનિર્ભરતા માટે પૂરી કટિબદ્ધતાથી કાર્ય કરી રહી છે.
સમાજના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શિક્ષણને સૌથી શક્તિશાળી શસ્ત્ર ગણાવતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ વાલીઓને અપીલ કરી હતી કે, તેઓ પોતાના બાળકોને જ્ઞાન અને શિક્ષણનું ભાથું પૂરું પાડે. તેમણે યુવાનોને આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રાખતા, નવી ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ કૌશલ્ય શીખીને આત્મનિર્ભર બનવા આહ્વાન કર્યું હતું.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૬માં વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે જે રૂ. ૧૬૩ કરોડની જોગવાઈ હતી, તેને વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં વધારીને રૂ. ૧૭૦ કરોડ કરવામાં આવી છે. આ ઉપરાંત, સમાજના યુવાનો સ્વરોજગાર મેળવી આર્થિક રીતે પગભર થાય તે માટે ‘વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ’ દ્વારા ૪ થી ૫ ટકાના નજીવા વ્યાજ દરે રૂ. ૧૫ લાખ સુધીની ધિરાણ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ વધુમાં વધુ જરૂરિયાતમંદ નાગરિકો સુધી પહોંચી શકે તે હેતુથી નિગમની બજેટ જોગવાઈ, જે ગત વર્ષે રૂ. ૧૨ કરોડ હતી, તેમાં મોટો વધારો કરીને વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૨૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ વિચરતી અને વિમુક્ત જાતિના યુવાનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ’ દ્વારા સ્વરોજગાર, મહિલા ઉત્કર્ષ અને ઉચ્ચ શિક્ષણ માટે અનેકવિધ કલ્યાણકારી ધિરાણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
મંત્રીશ્રીએ યોજનાઓની વિગતો આપતાં જણાવ્યું હતું કે, નાના ધંધા અને સ્વરોજગાર શરૂ કરવા માટે રૂ. ૩ થી ૧૫ લાખ સુધીની ‘ટર્મ લોન’ અને રૂ. ૨.૫૦ લાખ સુધીની ‘માઇક્રો ફાઇનાન્સ લોન’ પૂરી પાડવામાં આવે છે. મહિલા સશક્તીકરણને વેગ આપવાના ઉદ્દેશથી ‘મહિલા સમૃદ્ધિ યોજના’ હેઠળ મહિલાઓને માત્ર ૪ ટકાના રાહતદરે રૂ. ૨.૫૦ લાખ તથા ‘ન્યુ સ્વર્ણિમા યોજના’ હેઠળ રૂ. ૫ લાખ સુધીની સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે અર્થે ‘ન્યુ આકાંક્ષા યોજના’ હેઠળ રૂ. ૧૫ લાખ સુધીની શૈક્ષણિક લોન આપવામાં આવે છે.

મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ વિચરતી અને વિમુક્ત જાતિઓ (NT-DNT) ના ઉત્કર્ષ માટે સરકારની કટિબદ્ધતા પુનઃઉચ્ચારતા જણાવ્યું હતું કે, સમાજનો એક પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે મજબૂત આયોજન કર્યું છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે કુલ ત્રણ વખત પોર્ટલ રિ-ઓપન કરીને વિદ્યાર્થીઓને પૂરતી તક આપવામાં આવી હતી.
ઘરવિહોણા પરિવારો સન્માનભેર જીવન જીવી શકે તે માટે ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના’ હેઠળ પ્લોટ ફાળવણી ઉપરાંત મકાન નિર્માણ માટે રૂ. ૧,૭૦,૦૦૦ ની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં (DBT મારફતે) જમા કરવામાં આવે છે. આ ઉપરાંત, વહીવટી પ્રક્રિયાને સુગમ બનાવતા, જાતિ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ અને પારદર્શક બનાવવામાં આવી છે. યોગ્ય આધાર-પુરાવા સાથે ૭ દિવસમાં જાતિ પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની સમયબદ્ધ સૂચનાઓ આપવામાં આવી છે. જો કોઈ કારણોસર અરજી નામંજૂર થાય તો પ્રાંત અધિકારી, કલેક્ટર અને વિશ્લેષણ સમિતિ સુધી અપીલ કરવાની સુદ્રઢ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી કોઈ પણ સાચો લાભાર્થી પોતાના હક અને અધિકારથી વંચિત ન રહે તેમ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું.
મંત્રી ડૉ. વાજાએ જણાવ્યું હતું કે, સમાજમાં ન્યાય માટે એકતા, સમાનતા માટે સંકલ્પ, સન્માન માટે સંઘર્ષ અને વિકસિત ભારતના નિર્માણ માટે ‘સૌનો પ્રયાસ’ અત્યંત જરૂરી છે. આ તકે તેમણે ઉપસ્થિત સમાજના તમામ નાગરિકોને ‘વિકસિત સમાજ’ના નિર્માણ માટે પાંચ મહત્વપૂર્ણ સંકલ્પો લેવડાવ્યા હતા. જેમાં સમાજના દરેક બાળક સુધી શિક્ષણનો અધિકાર પહોંચાડવો, દરેક યુવાનને કૌશલ્ય વિકાસ અને રોજગારની પૂરતી તકો આપવી, દરેક પરિવાર સુધી સરકારી કલ્યાણકારી યોજનાઓનો વાસ્તવિક અને સીધો લાભ પહોંચાડવો, દરેક દીકરી માટે ઉત્કૃષ્ટ શિક્ષણ, પૂર્ણ સુરક્ષા અને આત્મનિર્ભરતા નિશ્ચિત કરવી તેમજ સમાજના દરેક નાગરિકને સન્માનપૂર્વકનું સ્થાન આપવું અને સામાજિક સુધારણા તરફ આગળ વધવા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
સ્વાતંત્ર્ય પૂર્વેના બ્રિટિશ શાસન દરમિયાન ‘ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ’ હેઠળ અન્યાયી રીતે ગુનેગાર ગણાયેલા વિચારતી અને વિમુક્ત સમુદાયોને સ્વતંત્રતા બાદ મુક્તિ મળતાં પ્રતિવર્ષ ૩૧મી ઓગસ્ટના રોજ ‘વિમુક્ત દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે વિચરતી અને વિમુક્ત, અર્ધ વિચરતી જાતિઓના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય શ્રી પ્રવિણ ઘુગેએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર ઉજવણી પૂરતો મર્યાદિત ન રહેતાં, આ સમુદાયના લોકોને સામાજિક અને આર્થિક મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ અપાવવી એ કેન્દ્ર અને રાજ્ય સરકારની મુખ્ય પ્રાથમિકતા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૧૯માં પ્રથમ વખત આ સમુદાયોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે વિશિષ્ટ બોર્ડની રચના કરવામાં આવી હતી, જેનાથી દેશભરમાં આ જાતિઓના સશક્તીકરણની નવી શરૂઆત થઈ હતી. આજે વિચારતી અને વિમુક્ત સમુદાયોને કાયમી વિસ્થાપનની સમસ્યા દૂર કરવા માટે જમીન અને આવાસ યોજનાઓ જેમ કે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ દ્વારા તેમને કાયમી સરનામું અને સન્માનજનક જીવન પૂરું પાડવાના પ્રયાસો સમગ્ર દેશમાં ચાલી રહ્યા છે.
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પૂર્વ અધિક સચિવ શ્રી કે. જી. વણઝારાએ જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી અને સ્થાયી વિકાસ માટે માત્ર સરકાર પર નિર્ભર રહેવાને બદલે સમાજે પણ પોતાની જવાબદારી સ્વીકારી આત્મનિર્ભર બનવું પડશે. દારૂ, તમાકુ સહિતના તમામ પ્રકારના વ્યસનો તેમજ અંધશ્રદ્ધા અને કુરિવાજોનો ત્યાગ કરીને શિક્ષણ, રોજગાર તથા આવાસને સમાજના વિકાસના મુખ્ય આધારસ્તંભ બનાવવા ખૂબ જરૂરી છે. જે માટે સમાજની તમામ જાતિઓએ એકજૂથ થઈ સંકલ્પબદ્ધ બની સામૂહિક જવાબદારી નિભાવવી પડશે.
દેશના સ્વતંત્રતા સંગ્રામમાં આ સમાજના ૨૫૦ વર્ષના ઐતિહાસિક યોગદાનને બિરદાવતા ડી.એન.ટી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી ભરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે, આ ફાઉન્ડેશન દ્વારા દેશના ૧૬ રાજ્યો અને ૩૦૦થી વધુ જિલ્લાઓમાં કામગીરીનો વ્યાપ વધારીને ૧ લાખ સેવા પ્રકલ્પો શરૂ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ‘સીડ’ યોજના અને રિવોલ્વિંગ ફંડના સફળ અમલીકરણ દ્વારા ૭,૦૦૦થી વધુ મહિલા સ્વસહાય જૂથોને સક્રિય કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે કોડીનાર અને માણાવદર જેવા ગ્રામીણ વિસ્તારોમાં બહેનો માટે પીવાના પાણી અને હેન્ડપંપ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પ્રસંગે ભાજપ ગુજરાત પ્રદેશના પ્રવક્તા શ્રી ઘનશ્યામભાઈ ગઢવી, ડી.એન.ટી. ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના શ્રી કુલદિપ સગર, ગુજરાત એન.ટી.-ડી.એન.ટી. ફેડરેશનના પ્રમુખ શ્રી અનિલભાઈ શેખલિયા, શ્રી જશવંતભાઈ, શ્રી ભરતભાઈ, શ્રી દિલીપભાઈ સહિતના અનેક વિશિષ્ટ મહાનુભાવો, વિવિધ જિલ્લાઓમાંથી એન.ટી.-ડી.એન.ટી. સમુદાયોના આગેવાનો, પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.