
વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત આજે વહેલી સવારે ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ વિશેષ પદયાત્રામાં ૧૦૮ કલાકારો દ્વારા કરવામાં આવેલા ડમરુના ગુંજારવે સમગ્ર વડનગરને શિવમય બનાવી દીધું હતું. આ પવિત્ર અવસરે રાજ્યના ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ખાસ ઉપસ્થિત રહીને યાત્રામાં સહભાગી થઈ કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.
શ્રાવણ માસના પવિત્ર રવિવારે યોજાયેલી આ ડમરુ યાત્રામાં ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. વડનગરની ગલીઓમાં ગુંજી ઉઠેલા ડમરુના નાદ વચ્ચે મંત્રીશ્રીએ ભક્તિભાવ સાથે આ સાંસ્કૃતિક મહોત્સવની શોભા વધારી હતી. રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કલા અને શ્રાવણ માસના આધ્યાત્મિક મહત્વને જન-જન સુધી પહોંચાડવાનો રહ્યો છે. ૧૦૮ કલાકારોએ એકસાથે ડમરુ વાદન કરીને અદભૂત વાતાવરણ ઊભું કર્યું હતું, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ ભવ્ય સમૂહ યાત્રાનો પ્રારંભ સવારે વડનગરના અમરથોળ વિસ્તારથી કરવામાં આવ્યો હતો. યાત્રા શહેરના વિવિધ પૌરાણિક અને મહત્વના સ્થળો જેવા કે અમથેર માતા મંદિર, ભોજક શેરી, અંબાજી માતા ચાચરે, મોચીઓળ, કાપડ બજાર, માતોર અને ચકલા ખાતેથી પસાર થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન નગરજનોએ કલાકારો અને મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. યાત્રાના માર્ગ પર ડમરુના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે વડનગરની પ્રાચીન સંસ્કૃતિની પ્રતીતિ કરાવતું હતું.
નગરના વિવિધ માર્ગો પર ભ્રમણ કર્યા બાદ આ ડમરુ યાત્રા અમતોલ દરવાજા થઈને વડનગરના આસ્થાના પરમ કેન્દ્ર સમાન શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. મંદિર પરિસરમાં કલાકારો દ્વારા કરવામાં આવેલા સમૂહ વાદને શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
યાત્રાના અંતમાં મંત્રીશ્રીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલાજી ઠાકોર, જિલ્લા કલેકટરશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રદિપસિંહ રાઠોડ અને નિવાસી અધિક કલેક્ટર શ્રી મયંક પટેલ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.