વડનગર ખાતે શ્રાવણ ઉત્સવ અંતર્ગત ભવ્ય ‘ડમરુ યાત્રા’ યોજાઈ: રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ


ગુજરાતના ઐતિહાસિક નગર વડનગર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત દરરોજ ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજની ડમરું યાત્રામાં ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ ખાસ ઉપસ્થિત રહીને સહભાગીદારી નોંધાવી હતી. આ યાત્રામાં ૧૦૮ કલાકારો દ્વારા કરવામાં આવેલા ડમરુના ગુંજારવ અને ભવ્ય સમૂહ ગાનથી સમગ્ર વડનગર નગરી શિવમય બની ગઈ હતી.આ ભવ્ય ડમરુ યાત્રામાં ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી શિવભક્તો અને શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રવિવારની વહેલી સવારે આયોજિત આ કાર્યક્રમમાં ૧૦૮ કલાકારોની ટુકડીએ પરંપરાગત વાદ્યો સાથે વાતાવરણમાં આધ્યાત્મિકતાનો સંચાર કર્યો હતો. મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો હતો અને વડનગરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા આ આયોજનને બિરદાવ્યું હતું.

નિર્ધારિત રૂટ મુજબ, આ યાત્રાએ આજે સવારે અમરથોળ સ્થિત હરસિદ્ધ માતાના મંદિરથી પ્રસ્થાન કર્યું હતું. આ પદયાત્રા વડનગરના ઐતિહાસિક અને મુખ્ય માર્ગો જેવા કે અમથેર માતા મંદિર, ભોજક શેરી, અંબાજી માતા ચાચરે, મોચીઓળ, કાપડ બજાર, માતોર અને ચકલા થઈને આગળ વધી હતી. માર્ગમાં આવતા અમતોલ દરવાજા પસાર કરી આ ભવ્ય યાત્રા અંતે વડનગરના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.

યાત્રાના અંતમાં મંત્રીશ્રીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કર્યું હતું.

ડમરુ યાત્રા બાદ મંત્રીશ્રીએ બી.એન હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ઊંઝા ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, પદાધિકારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ અને શિવભક્તો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *