ગાંધીનગરના શ્રી રોહિદાસ મંદિરે સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી આરતીમાં સહભાગી થતાં ભાજપા પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી

ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુઘજીએ ગુજરાત પ્રવાસના પ્રથમ ચરણમાં આજે ગાંધીનગરના સેકટર ૬/સી સ્થિત શ્રી રોહિદાસ મંદિરની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજના ચરણોમાં વંદન કર્યા હતાં. આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સૌ શ્રી રવિદાસ મહારાજની આરતીમાં સહભાગી થયા હતાં.

ભાજપા પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુઘજીએ આ પ્રસંગે જણાવ્યું કે, સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ હેઠળ દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 1 ફેબ્રુઆરીના રોજ જલંધર સ્થિત શ્રી ગુરુ રવિદાસ ડેરા, સચખંડ બલ્લાં ખાતે શીશ ઝુકાવ્યું હતું અને આ સાથે જ આદમપુર એરપોર્ટનું નામ શ્રી ગુરુ રવિદાસજીના નામ પર રાખવાની ઘોષણા કરી હતી. સંત રવિદાસજીના સ્મરણમાં જલંધરથી સંત રવિદાસ એકસપ્રેસ અને જમ્મુ તાવીથી બેગમપુરા એકસપ્રેસ વારાણસી સુધી શરૂ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સંત રવિદાસજીના જન્મસ્થળની પવિત્ર માટી સાથેના કળશના પૂજનનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે દેશભરમાં અંદાજે ૭૦ હજાર જેટલા સ્થળોએ આ પવિત્ર માટીનું પૂજન થયું અને વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના તથા દીપમાળા યોજાઈ રહી છે. ગુજરાતમાં પણ આ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ૧૬ હજારથી વધુ ગામોમાં પવિત્ર કળશ યાત્રાના સ્વાગત અને પૂજનના કાર્યક્રમો યોજાયા છે. આ સાથે જ આગામી વર્ષ સુધી સમગ્ર રાજ્યમાં ગુરુ રવિદાસજીના જીવન અને તેમના સંદેશને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

શ્રી ચુઘજીએ ગુરુ રવિદાસજીના ‘બેગમપુરા’ સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ સિદ્ધાંતનો અર્થ એક એવો સમાજ છે જ્યાં કોઈ દુઃખ ન હોય, દરેક વ્યક્તિને ભોજન મળે અને સર્વત્ર સુખ તથા સમૃદ્ધિ હોય. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર આ જ માર્ગે ચાલીને ઐતિહાસિક રીતે કરોડો ગરીબોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડી રહી છે, જેથી કોઈ ભૂખ્યું ન સૂવે. આ ઉપરાંત, દરેક ગરીબને માથા પર છત મળે તે માટે કરોડો ગરીબ પરિવારોને પાકાં આવાસ આપવામાં આવ્યા છે. સરકારની આ કલ્યાણકારી આવાસ અને અન્ન યોજનાઓ ગુરુ રવિદાસજીએ ચીંધેલા સમાનતા અને કલ્યાણના સંદેશ સાથે સંપૂર્ણપણે જોડાયેલી છે.

ગુરુ રવિદાસજીનો સંદેશ સમતાયુક્ત, આડંબરમુક્ત અને સૌને સાથે લઈને ચાલનારા સમાજના નિર્માણનો છે. પરંપરાગત કથાઓ અનુસાર, જ્યારે સુલતાન સિકંદર લોધીએ ગુરુ રવિદાસજીને ઇસ્લામ સ્વીકારવા દબાણ કર્યું, ત્યારે તેમણે અસહ્ય યાતનાઓ અને જુલમ સહન કર્યા, પરંતુ પોતાના ધર્મ અને સિદ્ધાંતો પર તેઓ અડગ રહ્યા હતા. શ્રી તરુણ ચુઘજીએ અંતમાં જણાવ્યું હતું કે, સંત શિરોમણી ગુરુ રવિદાસજીનું આ ત્યાગમય જીવન આજે પણ આપણને માર્ગદર્શન પૂરું પાડે છે અને આવનારી અનેક પેઢીઓ માટે તેઓ વર્ષો સુધી પ્રેરણાસ્ત્રોત બની રહેશે. આરતી બાદ શ્રી તરુણ ચુઘજી, શ્રી રત્નાકરજી સહિતના આગેવાનોએ મંદિર પરિસરમાં રોહિત સમાજ સહિત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી સંવાદ કરી શ્રી રવિદાસ મહારાજના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.

આ અવસરે પ્રદેશ મંત્રી અને ગાંધીનગર મહાનગરના પ્રભારી શ્રી નીરવભાઈ અમીન, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખશ્રી ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્યશ્રીઓ, ભાજપા આગેવાનો, રોહિત સમાજના આગેવાનો તથા ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *