રાકેશ વાળા,
દક્ષિણ ગુજરાતના વનબંધુ-આદિવાસી સમાજના સર્વાંગી કલ્યાણ અને સ્વાસ્થ્ય રક્ષા કાજે એક પ્રશંસનીય સેવાયજ્ઞનો મંગલ પ્રારંભ થયો છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ સેવા ઉપક્રમની આ ભવ્ય શરૂઆતના ભાગરૂપે ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી (TRI), ગાંધીનગર અને પી.આર.બી. આર્ટ્સ એન્ડ પી.જી.આર. કોમર્સ કોલેજ, બારડોલીના સંયુક્ત ઉપક્રમે કોલેજના IQAC, NSS અને NCC વિભાગ દ્વારા ‘સિકલ સેલ એનિમિયા’ વિષય પર એક દિવસીય મહા-જાગૃતિ અભિયાનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણાદાયી કાર્યક્રમ કોલેજના શ્રીમદ્ રાજચંદ્ર હોલ ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બારડોલીના સાંસદ માનનીય શ્રી પ્રભુભાઈ વસાવા તેમજ અતિથિ વિશેષ તરીકે બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીલાબેન વ્યાસ, બારડોલી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત ઉકા તરસડિયા યુનિવર્સિટીના સીઈઓ ડૉ. દિનેશભાઈ શાહ સાહેબ તેમજ સુરત જિલ્લા પંચાયતના ડૉ. પરેશભાઈ સુરતી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ અને સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સિકલ સેલ એનિમિયા સામે લડવા માટે સામાજિક જાગૃતિ અત્યંત જરૂરી છે અને યુવાનો આ અભિયાનમાં અગ્રેસર બની સમાજને સ્વસ્થ રાખવામાં મોટું યોગદાન આપી શકે છે.
ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સી. સી. ચૌધરી એ પોતાના સંબોધનમાં આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ નિયંત્રણ માટે સરકાર અને સંસ્થાઓ દ્વારા ચાલતા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી હતી. ઉકા તરસડિયા યુનિવર્સિટીના સીઈઓ ડૉ. દિનેશભાઈ શાહે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના સમન્વયથી સમાજ ઉત્થાન અંગે પ્રેરણાદાયી વિચાર રજૂ કર્યા હતા.
કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડૉ. ભાવિનભાઈ કે. પુરોહિતે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતાં સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજના હિતમાં થતી આવી રચનાત્મક પ્રવૃત્તિઓ અંગે ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
આ પ્રસંગે તજજ્ઞ વક્તા તરીકે ઉપસ્થિત સિકલ સેલ સ્પેશિયાલિસ્ટ ડૉ. જ્યોતિષ પટેલ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોને સિકલ સેલ એનિમિયાના લક્ષણો, નિદાન, સારવાર અને તેના નિવારણ અંગે ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોના સ્વાસ્થ્ય પરીક્ષણ અર્થે રેફરલ હોસ્પિટલ બારડોલીના ડૉક્ટરશ્રી અને તેમની મેડિકલ ટીમ/સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યો હતો અને તેમણે સ્થળ પર જ સિકલ સેલ તપાસ તેમજ પ્રાથમિક નિદાનની કામગીરી સુપેરે પાર પાડી હતી.
સમગ્ર આયોજનમાં ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી (TRI) તેમજ કોલેજના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને એક સ્વસ્થ, સક્ષમ તથા જાગૃત આદિવાસી સમાજના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ થયા હતા.