ભાદરવી પૂનમ પદયાત્રા – સિદ્ધપુર પંથક સેવાનું ધામ બન્યું, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે વિવિધ સેવા કેમ્પોની લીધી મુલાકાત

સિદ્ધપુરભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી ધામ તરફ પગપાળા જતા લાખો માઈભક્તોનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો છે. આ આસ્થાની પદયાત્રાને સેવા અને માનવતાની યાત્રા બનાવવા માટે સિદ્ધપુર પંથકમાં ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ સિદ્ધપુરના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી બલવંતસિંહ રાજપૂતે આ તમામ સેવા કેમ્પોની રૂબરૂ મુલાકાત લઈ સેવાભાવી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.ધારાસભ્યશ્રીએ સૌ પ્રથમ રીક્ષા યુનિયન દ્વારા આયોજિત સેવા કેમ્પ, ત્યારબાદ યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા આયોજિત ભવ્ય સેવા કેમ્પ, રસુલપુર ઠાકોર સમાજ યુવા અંબાજી સેવા કેમ્પ, શ્રી મહાકાળી યુવા સંગઠન ધારેવાડા દ્વારા આયોજિત કેમ્પ, સમસ્ત સેદ્રાણા યુવા સંગઠનના કેમ્પ, તિરુપતિ પ્લાઝા સેવા કેમ્પ, ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેના કેમ્પ તેમજ સિદ્ધપુર મેડિકલ એસોસિએશન દ્વારા પદયાત્રીઓના સ્વાસ્થ્ય માટે આયોજિત ખાસ અંબાજી પગપાળા સેવા કેમ્પની મુલાકાત લીધી હતી.આ તમામ સ્થળોએ પદયાત્રીઓ માટે ચા-પાણી, ભોજન-પ્રસાદ, નાસ્તો, આરામ માટે મંડપ, પ્રાથમિક સારવાર અને દવાઓની સુંદર વ્યવસ્થા જોવા મળી હતી. દિવસ-રાત જોયા વગર નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહેલા યુવાનો અને સ્વયંસેવકોને મળીને ધારાસભ્યશ્રીએ તેમની સેવાને હૃદયપૂર્વક બિરદાવી હતી.આ પવિત્ર પ્રસંગે તેમણે જગતજનની મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, મા અંબા દરેક પદયાત્રીની યાત્રા સુખમય અને મંગલમય બનાવે, તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ વરસાવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાદરવી પૂનમની આ પદયાત્રા માત્ર આસ્થાની યાત્રા નથી, પરંતુ ભક્તિ, સેવા અને માનવતાનો અનોખો સંગમ છે.આ સેવાયાત્રા દરમિયાન તેમની સાથે શ્રી રણજીતભાઈ સોલંકી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ ચૌધરી, શ્રી કૌશલભાઈ જોશી, શ્રી અંકુરભાઈ મારફતિયા, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી મહેશભાઈ દેસાઈ, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી વિક્રમસિંહ ઠાકોર, તાલુકા અને શહેરના મહામંત્રીશ્રીઓ, તમામ સેવા કેમ્પના આયોજક મિત્રો, યુવા મોરચાના પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ “બોલ મારી અંબે, જય જય અંબે” ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.