વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સંલગ્ન વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ & સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા આયોજિત

વિસનગર
ભારતના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે સમગ્ર ગુજરાતમાં આયોજિત રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે વિવિધ સ્થળોએ સામૂહિક “સંપૂર્ણ વંદે માતરમ્” ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાભારતીના ઉપક્રમે આયોજિત આ રાજ્યવ્યાપી કાર્યક્રમમાં ગુજરાતભરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ સહભાગીતા નોંધાવી હતી. યુનિવર્સિટીના સત્તાવાર પરિપત્ર મુજબ યુનિવર્સિટી ખાતે નિયત સ્થળોએ એકસાથે “સંપૂર્ણ વંદે માતરમ્”નું ગાન કરવામાં આવ્યું હતું.
મહાન સાહિત્યકાર શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ “સંપૂર્ણ વંદે માતરમ્” ભારતની રાષ્ટ્રીય ચેતના, માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને દેશભક્તિનું પ્રેરણાદાયી પ્રતીક બની રહ્યું છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન “વંદે માતરમ્”ના ઉદઘોષે દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમની ભાવનાને પ્રબળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ ઐતિહાસિક પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખશ્રી, પ્રોવોસ્ટશ્રી, રજિસ્ટ્રારશ્રી, ડાયરેક્ટરશ્રીઓ, ડીનશ્રીઓ, આચાર્યશ્રીઓ, અધ્યાપકગણ, નોન-ટીચિંગ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક સહભાગીતા કરવામાં આવી હતી.
યુનિવર્સિટી ખાતે સવારે ૧૧:૦૦ કલાકે નિયત સ્થળોએ એકસાથે “સંપૂર્ણ વંદે માતરમ્”નું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સહભાગી થવા માટે તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓને સવારે ૧૦:૩૦ કલાકે પોતાના નિયત સ્થળે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું.
યુનિવર્સિટી પરિસરમાં સામૂહિક ગાન માટે વિવિધ સ્થળો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં University Circle, Nootan College of Nursing – Ground Floor Square, NMCRC – Ground Floor Square તથા Nootan Ayurvedic College & Research Centre – Ground Floor Squareનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ સંબંધિત સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Guinness World Records માટેના ઐતિહાસિક પ્રયાસમાં યુનિવર્સિટીની સહભાગિતા
“વંદે માતરમ્”ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક અવસરને વધુ વિશિષ્ટ બનાવતા, Guinness World Records માટેના વિશાળ સામૂહિક “વંદે માતરમ્” ગાનના પ્રયાસમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી પણ સહભાગી બની હતી. યુનિવર્સિટીના વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા સ્ટાફ સભ્યો દ્વારા એકસાથે “વંદે માતરમ્”નું ગાન કરવામાં આવ્યું હતું. આ રીતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ આ ઐતિહાસિક સામૂહિક ગાનમાં પોતાની નોંધપાત્ર સહભાગિતા નોંધાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા જણાવાયું હતું કે “વંદે માતરમ્” માત્ર એક ગીત નથી, પરંતુ માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવાની ભાવનાનું પ્રતીક છે. નવી પેઢી આપણા દેશના ઇતિહાસ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય વારસાને સમજે તથા તેનું સન્માન કરે તે આ ઉજવણીનો મહત્વપૂર્ણ હેતુ છે.
આ ઐતિહાસિક અવસરે વિશાળ પાયે સામૂહિક ગાન દ્વારા “વંદે માતરમ્”ની ૧૫૦ વર્ષની ગૌરવશાળી યાત્રાને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે સાથે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા, સંસ્કૃતિ અને ગૌરવને જાળવી રાખવા તેમજ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે સમગ્ર યુનિવર્સિટી પરિસર “ભારત માતાની જય” અને “વંદે માતરમ્”ના ગુંજતા નાદથી દેશભક્તિમય બની ગયું હતું.
વંદે માતરમ્! વંદે માતરમ્!! વંદે માતરમ્!!!