પ્રેસનોટ “નશા મુક્ત યુવા – વિકસિત ભારત સંકલ્પ અભિયાન
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના NSS યુનિટ દ્વારા “નશા મુક્ત યુવા – વિકસિત ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત 300થી વધુ NSS સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં ભવ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, MY Bharat તથા *રાષ્ટ્રીય સેવા યોજના (NSS)*ના સંયુક્ત ઉપક્રમે સમગ્ર દેશમાં આયોજિત “નશા મુક્ત યુવા – વિકસિત ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત આજે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટ દ્વારા ભવ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ સંકાયોના 300થી વધુ NSS સ્વયંસેવકો, NSS કાર્યક્રમ અધિકારીઓ, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સ્તરના લાઈવ સંબોધનનું પ્રસારણ કરવામાં આવ્યું. પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં તેમણે જણાવ્યું કે “નશા મુક્ત યુવા જ વિકસિત ભારતનો મજબૂત પાયો બની શકે છે.” તેમણે યુવાનોને નશા જેવી સામાજિક બુરાઈથી દૂર રહી રમતગમત, શિક્ષણ, સામાજિક સેવા, નવીનતા અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું. સાથે જ તેમણે દરેક યુવાનને પોતાના પરિવાર, મિત્રો અને સમાજમાં નશા વિરોધી જાગૃતિ ફેલાવી *”નશા મુક્ત ભારત – વિકસિત ભારત”*ના સંકલ્પને જનઆંદોલન બનાવવાની અપીલ કરી. MY Bharatના માધ્યમથી દેશભરના લાખો યુવાનો આ રાષ્ટ્રીય અભિયાન સાથે જોડાયા અને નશામુક્ત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બન્યા.
કાર્યક્રમ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખશ્રી શ્રી પ્રકાશભાઈ પટેલનો શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. પોતાના સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે યુવાનો દેશની સૌથી મોટી શક્તિ છે. નશા જેવી સામાજિક બુરાઈથી દૂર રહી શિક્ષણ, રમતગમત, સેવા અને સારા સંસ્કારો દ્વારા સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું એ દરેક યુવાનની જવાબદારી છે. તેમણે NSS સ્વયંસેવકોને સમાજમાં નશામુક્તિ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવા અને “નશા મુક્ત ભારત – વિકસિત ભારત”ના સંકલ્પને જનઆંદોલન બનાવવાની અપીલ કરી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ NSS સ્વયંસેવકોએ નશા મુક્ત ભારતના નિર્માણ માટે શપથ ગ્રહણ કર્યો અને સમાજમાં નશા વિરોધી જનજાગૃતિ ફેલાવવા માટે સક્રિય કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
ગૌરવની બાબત એ છે કે મહેસાણા જિલ્લામાંથી આ રાષ્ટ્રીય લાઈવ અભિયાનમાં સક્રિય રીતે જોડાનારી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી રહી હતી. આ સિદ્ધિ યુનિવર્સિટીના NSS યુનિટની સામાજિક પ્રતિબદ્ધતા અને યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવનાનું ઉત્તમ પ્રતિબિંબ છે.
આ સમગ્ર કાર્યક્રમ પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી, રજિસ્ટ્રાર ડૉ. પરિમલ ત્રિવેદી તથા NSS કોઓર્ડિનેટર ડૉ. રાકેશ એન. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો. કાર્યક્રમના આયોજનમાં તમામ NSS કાર્યક્રમ અધિકારીઓ, અધ્યાપકો તથા NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો.
અંતમાં તમામ ઉપસ્થિતોએ *”નશા મુક્ત યુવા – વિકસિત ભારત”*ના સંકલ્પને જીવનમાં ઉતારી સમાજને નશામુક્ત બનાવવા માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.