વિંછીયા તાલુકાના ભડલી ગામે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમનો આરંભ થયો

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ભડલી ગામ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસનાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘સેવાસેતુ કાર્યક્રમ’નો આરંભ થયો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સળંગ ૨૫ વર્ષથી લોકસેવાના કાર્યોમાં સમર્પિત રહ્યા છે. તેમના પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર પણ વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે વિવિધ યોજનાઓનો લાભ દરેક પાત્રતા ધરાવતા વ્યક્તિ સુધી પહોંચે, તે તંત્ર અને સમાજની સંયુક્ત જવાબદારી છે. જ્યારે સરકાર નવીનતમ પદ્ધતિઓ અપનાવીને લોકો સુધી યોજનાઓના સીધા લાભો પૂરા પાડવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે આ યોજનાકીય લાભોથી કોઈપણ જરૂરિયાતમંદ નાગરિક વંચિત ન રહી જાય, તે સુનિશ્ચિત કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. આ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા યોજનાના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી પહોંચાડવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ સેવાસેતુ કાર્યક્રમમાં ભડલી ઉપરાંત દેવધરી, સનાળી, સનાળા, વનાળા, ગઢાળા, કાંસલીલિયા, બેલડા, સરતાનપર અને આંકડિયા ગામના લોકોએ ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન આધાર કાર્ડ, રાશન કાર્ડ, ગંગાસ્વરૂપા સહાય, ખેડૂત કલ્યાણ, આવક અને જાતિના દાખલા, વૃદ્ધ નિરાધાર પેન્શન, હેલ્થ ચેકઅપ, કુંવરબાઈનું મામેરું સહિત વિવિધ યોજનાઓને લગતા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રીના હસ્તે નમોશ્રી યોજનાના લાભાર્થીને પ્રમાણપત્ર અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીને આયુષ્માન કાર્ડ અપાયું હતું. આ તકે તાલુકા વિકાસ અધિકારી શ્રી બી. જે. દવે, નાયબ મામલતદાર શ્રી ડી. જી. આચાર્ય, શ્રી લાલભા ગઢવી સહિત અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *