

બાળકોના સર્વાંગી વિકાસ અને પોષણ જાગૃતિ અર્થે સમગ્ર રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણ મિલન સેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંગરી ગામમાં સુથારવાડ ખાતે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આંગણ મિલન સેવા કાર્યક્રમ દરમિયાન મંત્રીના વરદહસ્તે રૂ. ૧૨ લાખના ખર્ચે તૈયાર થયેલી આંગણવાડી (નંદઘર)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, કચ્છના ધરતીકંપ બાદ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળી વિકાસની નવી દિશા આપી હતી. મહિલા અને બાળકોના વિકાસ માટે અલગથી નવા ખાતાની શરૂઆત કરી તેઓના વિકાસ માટે નવી નવી યોજના અમલમાં મુકી હતી. બાળકો દેશના સારા નાગરિક બની સારા કામો કરી શકે તે માટે ભણતરની સાથે શિસ્ત આવે તે માટે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો. શિક્ષકો પહેલાં આંગણવાડી બહેનો બાળકોને શિક્ષણ આપે છે. એટલે આંગણવાડી બહેનો ખાસ અભિનંદનને પાત્ર છે. બાળકોના પોષણ માટે સરકાર અત્યંત ચિંતિત છે અને એના માટે જ ખાસ કરીને આપણે સ્વચ્છતા અને આરોગ્ય ઉપર ધ્યાન રાખવું જોઈએ. બાળકોના પોષણ માટે તમામ સુવિધા હોવા છતાં બાળકો નબળા રહે છે એનું કારણ આપણી જીવનશૈલી, સ્વચ્છતા અને સાથે સાથે શિસ્તબદ્ધતા પણ છે. આંગણવાડી બહેનો અને પ્રોગ્રામ ઓફિસરની વિશેષ જવાબદારી છે કે, સ્વચ્છતાની સાથે સાથે બાળકોને શિસ્તના પાઠ શીખવીએ. એમના માતા-પિતાને પણ વખતોવખત મળીને બાળકોના પોષણ અંગે સમજણ આપીએ.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે, તા. ૦૭ ઓક્ટોબર ૨૦૦૧ માં મોદીજીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી આગામી તા. ૦૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ એમની સુદઢ શાસન પ્રણાલીના ૨૫ વર્ષ પૂરા થાય છે, તા. ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈનો જન્મદિવસ હતો ત્યારથી તા.૧૭ ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને આજે આંગણવાડીના બાળકો માટે આંગણ મિલન સેવા કાર્યક્રમ પણ એના ભાગરૂપે થયો છે. આવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને ગુજરાતને મોદીજીની સેવાનો ૨૫ વર્ષ લાભ મળ્યો છે તો એમ ચોક્કસ કહી શકાય કે, આપણે સૌ વિકાસના કાર્યક્રમોમાં જોડાઈને ગુજરાત અને દેશના વિકાસમાં ફાળો આપીએ.
આ પ્રસંગે વલસાડ જિલ્લા આઈસીડીએસના પ્રોગામ ઓફિસર ક્રિષ્નાકુમારી પટેલે માતા-પિતાને ખાસ અપીલ કરતા જણાવ્યું કે, બાળકોને બહારના ફૂડ પેકેટ અને પડીકા ખાવા માટે ક્યારેય આપવા જોઈએ નહી. કારણ કે, તેમાં ખાંડ, મીઠું અને તેલનું પ્રમાણ વધુ હોવાથી ભવિષ્યમાં ડાયાબિટીસ, હાયપર ટેન્શન (હાઈ બી.પી.) થવાની શક્યતા અને મેદસ્વિતાનું પ્રમાણ પણ વધે છે. પેકેટ ફૂડમાં અન્ય જરૂરી પોષક તત્વો ન હોવાથી નિયમિત ઉપયોગ કરવાથી બાળકો કુપોષણનો ભોગ બને છે. જેથી બહારના પડીકા બંધ કરી ઘરમાં જ પૌષ્ટીક વાનગી બનાવી તંદુરસ્ત આહાર આપવો જોઈએ.
ગામના સરપંચ રવિન્દ્રભાઈ પટેલે ડુંગરી ગામની છ આંગણવાડીમાં જે પણ સુવિધાની ઘટ હતી તે અંગે મંત્રીશ્રી કનુભાઈનું ધ્યાન દોરતા તમામ ઘટ પુરી થઈ ગઈ છે અને પોણિયા ફળિયા ખાતે નવી આંગણવાડી પણ મંજૂર થઈ છે. જે કામો છેલ્લા ૨૫ વર્ષમાં પૂરા ન થયા તે કામો છેલ્લા પાંચ વર્ષમાં મંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ પુરા થઈ ગયા છે.
સારી કામગીરી કરનાર આંગણવાડી બહેનો અને તેડાગરની બહેનોનું મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કુપોષણમાંથી મુક્ત થયેલા બાળકોને પ્રોત્સાહક ભેટ પણ આપવામાં આવી હતી. વ્હાલી દીકરી અને સગર્ભા તેમજ ધાત્રી માતાઓ માટે મુખ્યમંત્રીશ્રીના સંદેશનું વાંચન પણ કરવામાં આવ્યું હતું અને ટીએચઆરનું વિતરણ પણ કરાયુ હતું. હાલમાં પોષણ માસ પણ ચાલી રહ્યો હોવાથી પોષણ શપથ પણ લેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સોનલબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય મહેન્દ્ર પટેલ, પ્રિયા પટેલ અને કીર્તિબેન, તાલુકા વિકાસ અધિકારી સંદીપ ભગોરા, જિલ્લા સંગઠન મંત્રી મુકેશભાઈ પટેલ અને તાલુકા સંગઠનના માજી પ્રમુખ મહેશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આભારવિધિ પારડી ઘટક-૨ ના બાળ વિકાસ યોજના અધિકારી રીટાબેન પટેલે કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્તિ શિક્ષક જગદીશ પટેલે કર્યુ હતું.