
વલસાડના દૈનિક મુસાફરો, નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને રેલવે બોર્ડ દ્વારા વલસાડથી સુરત વચ્ચે વધુ એક ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલે સવારે ૧૦ કલાકે મેમુ ટ્રેન (ગાડી સં. 69149)ને વલસાડ રેલવે સ્ટેશન પરથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

આ પ્રસંગે સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું કે, વલસાડ અને સુરત વચ્ચે દરરોજ હજારોની સંખ્યામાં નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને પાસ હોલ્ડરો આવન-જાવન કરે છે. આ નવી મેમુ ટ્રેન શરૂ થવાથી મુસાફરોના સમયની બચત થશે અને દૈનિક આવાગમન વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનશે,. સાંસદ એ વધુમાં ઉમેર્યું કે, પ્રજાના હિત અને દૈનિક પ્રવાસીઓની સુવિધા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. આ નવી શરૂ થયેલી મેમુ ટ્રેનનો સમય કોરોના મહામારી પહેલાં દોડતી લોકપ્રિય ‘વિરાર શટલ’ મુજબ સવારે ૧૧:૦૦ વાગ્યાનો કરવામાં આવે, જેથી મુસાફરોને મહત્તમ લાભ મળી શકે, તે અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ખાસ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ સંસદીય વિસ્તારના વિવિધ રેલવે સ્ટેશનો પર પ્રવાસી સુવિધાઓ વધારવા સંદર્ભે પણ રેલવે મંત્રાલય સમક્ષ સક્રિય રજૂઆતો કરવામાં આવી છે

કાર્યક્રમ દરમિયાન વલસાડ રેલવે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં દૈનિક મુસાફરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને નવી ટ્રેનની શરૂઆત બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.