ડાંગની “જયુ” ની “ઢોલીવુડ” થઈ “બોલીવુડ” તરફની સફર

શ્રમજીવી પરિવારની વધુ એક યુવતિ રૂપેરી પરદે પગરણ માંડી રહી છે

રિપોર્ટ ડાંગ=અમરનાથ જગતાપ

આહવા:ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમા સાધન સુવિધાઓના અભાવ વચ્ચે કઈ કેટલીયે પ્રતિભાઓ ધરબાયેલી પડી છે.ડાંગ સહિત ગુજરાત અને દેશને ગૌરવ અપાવનારી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ, ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતો લોન્ગ ડિસ્ટન્સ રનર મુરલી ગાવિત, ક્રિકેટમા પગ જમાવવા સંઘર્ષ કરી રહેલો યુવા ક્રિકેટર જીત ગાંગુર્ડે, રૂપેરી પરદે પદાર્પણ કરનારી એક્ટ્રેસ મોનાલીસા પટેલ, અને હવે માળગા ગામે થી “ઢોલીવુડ” થઈ “બોલિવૂડ” તરફ પ્રયાણ કરી રહેલી એક્ટ્રેસ “જયુ” હોય. અહીં એક એક થી ચઢિયાતા પ્રતિભાશાળી યુવાનો જુદા જુદા ક્ષેત્રે તેમની ક્ષમતા પુરવાર કરી રહ્યા છે.આજે અહીં વાત કરવી છે પૂર્વીય ડાંગના સરહદી ગામ માળગાની યુવતી જયશ્રી ચોર્યા ની, કે જેણે ડાયરેકટ ડાંગથી ગુજરાતી ચલચિત્ર જગતની દિશા પકડીને, તેનામા રહેલી પ્રતિભાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.”ઢોલીવુડ” મા “જયુ”ના હુલામણા નામે કામ કરી રહેલી ડાંગની આ યુવતીએ શરૂઆત તો “ટિકટોક” થી કરી, પણ ત્યાર બાદ ગુજરાતી આલ્બમ, વેબસિરિઝ, સીરિયલ, અને ફિલ્મ તરફ તેના તકદીરે ડગ માંડતા એ દિશામા પગ જમાવવાની કોશિશ આરંભી છે. તાજેતરમા જ ગુજરાતી સહિત દક્ષિણની ફિલ્મો, અને હિન્દી સીને જગતના પ્રખ્યાત નિર્દેશક હેત રાઠોડના આલ્બમ “જખમ” માટે કામ કરી રહેલી “જયુ” એ તેના સાથી કલાકાર સમર્થ શર્મા, ક્રિષ્ના ઝાલા વિગેરે સાથે કામ કરીને તેની પ્રતિભાના દર્શન કરાવ્યા છે. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના ખોબા જેવડા “માળગા” ગામના શ્રમજીવી પરિવારની આ દીકરીએ ખુલ્લી આંખે રૂપેરી સ્વપ્ન જોઈને, તેને વાસ્તવિક રૂપ આપવાની ચેલેન્જ સ્વીકારી લીધી છે. પોતાનુ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુબિરની નવજ્યોત સ્કૂલમા લઈને, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ (વિજ્ઞાન પ્રવાહ) આહવાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ ખાતે લઈ, આહવા/વાંસદા ખાતે ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીનો કોર્ષ કરીને, સુરતની એક હોસ્પિટલમા જોબ કરતી આ યુવતી, ગામડા ગામમા પરંપરાગત કાચા ઘરમા રહીને ઉછરી છે. તેણીના પિતા જોત્યાભાઈ ચોર્યા પાણી પૂરવઠા બોર્ડમા આછીપાતળી નોકરી કરીને માંડ બે છેડા ભેગા કરવાની મથામણ કરે છે, તો તેણીની મમ્મી રંજનબેન ઘર અને ખેતીવાડી સંભાળી તેમના બન્ને સંતાનોની દેખભાળ કરે છે. “જયુ” નો ભાઈ પરિમલ સુરત ખાતે મેકડોનાલ્ડમા જોબ કરે છે. એક્ટિંગ સાથે મોડેલિંગ, સીંગીગ, સ્વિમિંગ, અને જિમ નો શોખ ધરાવતી “જયુ” ના ઘરે હજી હમણા જ ૨૧ ઇંચનુ કલર ટી.વી. આવ્યુ છે. તો તેણીએ તેના ભાઈ સાથે મળીને એક બાઇક, અને એક એક્ટિવા તથા ખેતીકામ માટે બળદની જોડી, ઇ.એમ.આઈ. ઉપર લઈને વિકાસની દિશામા પગરણ માંડ્યા છે. આમ, ખૂબ જ સામાન્ય ઘરની આ યુવતિ ધીમા પણ મક્કમ ડગલે વાયા “ઢોલીવુડ” થઈ “બૉલીવુડ” તરફ પોતાના મક્કમ મનોબળ સાથે આગેકૂચ કરી, અન્યો માટે માઇલ સ્ટોન બની રહી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *