જામનગર જિલ્લામાં હાલ 108 ની ૧૯ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત

માત્ર ૩૯ દિવસમાં ૨ હજાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી દેવદૂત સાબિત થતી 108 એમ્બ્યુલન્સ

મોતના મુખમાં ધકેલાઈ ગયેલા કે ધકેલાઇ રહેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઈ, પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત જીવનરક્ષક 108 એમ્બ્યુલન્સ સેવાએ સંજીવની કરતાં લગીરેય ઊણી ઉતરે એવી નથી. શહેર હોય કે ગામ, રાત હોય કે દિન, ટાઢ હોય કે તડકો, આ સેવા શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવજીવન આપી ચૂકી છે, અસંખ્ય લોકોના દુઃખી ચહેરા પર જીવન આશાનું કિરણ રેલાવી ચૂકી છે, અને હજુય અહર્નિશ પણે એ જ માનવ સેવા દાયિત્વ નિભાવી રહી છે.

૧૦૮નાં સ્ટાફે કર્તવ્ય નિષ્ઠા એટલી ઉત્તમ રીતે નિભાવી છે કે આજે પણ ગુજરાતનાં કોઈ પણ ખૂણે આરોગ્યની મુસીબતની પળોમાંથી પસાર થઇ રહેલા લોકોને સંકટની ઘડીએ જ્યારે ઘરના આંગણે તાબડતોબ 108 આવીને ઊભી રહે છે ત્યારે રાહતનો અહેસાસ થાય છે અને દિલમાંથી શબ્દો નીકળે છે કે “હાશ! 108 આવી ગઇ, હવે વાંધો નહીં આવે…”

જામનગર જિલ્લામાં પણ કોરોના કાળમાં 108 એમ્બ્યુલન્સ સેવાની ઉડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણનો વ્યાપ વધ્યો ત્યારે અનેક દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને તેમના જીવ બચાવવાની ફરજ 108 એમ્બ્યુલન્સ દ્વારા સુપેરે નિભાવવામાં આવી છે. દર્દીઓ તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચે અને તેમને તત્કાળ સારવાર ઉપલબ્ધ થાય તે માટે કોવિડ કાળમાં જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકરના સુચારૂ આયોજન અને સીધી દેખરેખ હેઠળ 108 દ્વારા અહર્નિશ ફરજ બજાવવામાં આવી રહી છે.

જામનગર 108 GVK EMRI ના પ્રોગ્રામ મેનેજર શ્રી બિપીન ભેટારીયા આ અંગે જણાવે છે કે જ્યારે જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં ઓચિંતો વધારો જોવા મળ્યો ત્યારે તેને અટકાવવા મેડિકલ સ્ટાફની જેમ જ 108ની પણ ચાવીરૂપ ભૂમિકા રહી છે. રાત દિવસ દર્દીઓના ફોન આવતા 108 એ ખાસ ઝુંબેશના ભાગરૂપે દર્દીઓ તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચે તે માટે આયોજન કરી પોતાની કામગીરી બજાવવાનું શરૂ કર્યું. અને તા. ૧લી એપ્રિલથી લઈ તા.૦૯મી મે સુધીના માત્ર ૩૯ દિવસના ટૂંકાગાળામાં જ ૨,૦૦૦ જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે અને આ કામગીરી હજુ ઉચ્ચ સ્તરે લઈ જવા સમગ્ર સ્ટાફ કટિબદ્ધ છે.

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *