નવસારીઃસોમવારઃ નવસારી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક તકેદારી આયુકત સંગીતા સિંઘના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ અવસરે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર ઉપસ્થિત રહયા હતાં.
આ પ્રસંગે તકેદારી આયુકત સંગીતા સિંઘે જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી એ તકેદારી સમિતિની બેઠકમાં લોક ફરિયાદ અને અરજીઓ સબંધમાં સમીક્ષા કરી હતી. જેમાં ગુજરાત તકેદારી આયોગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને તેની જાણ આયોગને કરવા માટે મોકલવામાં આવેલ અરજીઓ અંગે થયેલ કાર્યવાહી, જિલ્લા કક્ષાએ ચાલતા પ્રાથમિક તપાસના કેસોની સમીક્ષા, સાંસદ, ધારાસભ્યોની તકેદારી દ્રષ્ટિકોણવાળી રજૂઆતો, તકેદારી આયોગે મંગાવેલ હકીકતલક્ષી અહેવાલ અને જિલ્લા કક્ષાએ ચાલતા પ્રાથમિક તપાસના કેસો, આયોગ તરફથી કરવામાં આવેલ ભલામણો સંદર્ભમાં કરેલ કાર્યવાહી, એસીબી તરફથી રજૂ થતાં કેસો, વ્યવસ્થા અને પદ્ધતિમાં સુધારા અંગે જિલ્લા કક્ષાએ લેવામાં આવેલ અથવા સુચિત પગલા અંગે ચર્ચા, ભ્રષ્ટાચાર નિવારણ સંદર્ભે અન્ય આનુસાંગિક પગલાં સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં આ સમિતિની બેઠક દર ત્રણ માસે યોજાય અને તેની કાર્યવાહી નોંધની નકલ અલગ પત્રથી આયોગને રજૂ કરવાની સુચનાઓ અને તેનું ચુસ્ત રીતે પાલન થાય તેની સુચના અપાઈ હતી.
બેઠકમાં તકેદારી આયુકત દ્વારા લોક ફરિયાદ અને અરજીઓ સબંધેની સમીક્ષા કરવાની સાથોસાથ વિવિધ કામગીરીઓનું નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જાષી, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

