જામનગર તા.૨૩સપ્ટેમ્બર, બાળકોમાં પાયાની સાક્ષરતા,અંકજ્ઞાન માટે નિપુણ ભારત મિશન (NATIONAL INITIATIVE FOR PROFICIENCY IN READING WITH UNDERSTANDING AND NUMERACY)ના અમલીકરણ અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને તા.૨૨સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાની કમિટીની પ્રથમ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦મુજબ નિપુણ ભારતના વિઝન અનુસાર વર્ષ-૨૦૨૬-૨૭ સુધીમાં ધોરણ ૩ સુધીના તમામ બાળકો પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન પ્રાપ્ત કરે તે વિષયના ધ્યેયને ધ્યાનમાં રાખીને નિપુણ ભારત મિશન અંતર્ગત પ્રેઝન્ટેશન સાથે કમિટીના સભ્યોએ ચર્ચા વિચારણા કરી હતી.
આ બેઠકમાં નિપુણભારત મિશન શું છે અને તે માટે ક્યા પ્રકારે જિલ્લા કક્ષાએ વધુ સારી રીતે કામગીરી આગળ કરી શકાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ દરેક સભ્ય પાસેથી પ્રતિભાવો મેળવેલ હતા.નિપુણભારત મિશનમાં બાળક સમજ સાથે વાંચન અને સંખ્યાજ્ઞાન નિપુણતા કેળવે તેવી રાષ્ટ્રીય પહેલ અંતર્ગત આ મિશન હાથ ધરાયું છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સરકારી શાળામાં દરેક વિદ્યાર્થીએ પોતાની કક્ષા મુજબ લર્નિંગ લેવલ પ્રાપ્ત કરે તે પ્રમાણે શાળા કક્ષા સુધી આયોજન અને અમલીકરણ કરવા સુચના આપવામાં આવી હતી. તદુપરાંત જિલ્લામાં આ વર્ષે ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ ૭૬૧૯ જેટલું વધ્યું છે તે અંગે ડીડીઓશ્રીએ શિક્ષણ વિભાગની જિલ્લાની ટીમને અભિનંદન આપ્યા હતા.
આ મિટિંગમાં ડીડીઓશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી.એન દવે, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.ડોડીયા અને પ્રાચાર્યશ્રી કે.વી. રીંદાણી દ્વારા નિપુણભારત મિશન વિષયવસ્તુનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ હતું.તાલુકા કક્ષાએ આ ઝુંબેશને વધુ સારી રીતે અમલી બનાવી શકાય તે માટે આગામી સાત દિવસમાં દરેક તાલુકામાં તાલુકા કક્ષાની મિટિંગ યોજવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું.આ બેઠકમાં કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમગ્ર શિક્ષા જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.





