
ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ચાલતા મનોચિકિત્સા વિભાગમાં આવતા દર્દીઓને લાંબાગાળાની તપાસ, સારવાર, કાઉન્સેલિંગ, શેક સારવારની જરૂરિયાત ઊભી થાય તો તેમને દાખલ કરવા આવશ્યક હોવાથી ૩૦ પથારીનો ઈંડોર સાઇકિયાટ્રી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના વડા ડો.મહેશ ટીલવાની અને આસી. પ્રો. ડો. ચિરાગ કુંડલિયાએ કહ્યું કે, આ ૩૦ બેડના દાખલ વિભાગમાંદર્દીના દર્દ મુજબ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જુદા જુદા ચાર રૂમમાં વિભાજિત આ વોર્ડમાં સીસીટીવી કેમેરા, દરેક બારીઓમાં ગ્રીલ સહિતની તમામ સાવધાની રાખવામા આવી છે.આ વિભાગમાં જુદા જુદા પ્રકારના દર્દીઓ દાખલ કરવાના હોવાથી તેમની માનસિક પરિસ્થિતીને અનુરૂપ વિભાગોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે વ્યસનના બંધાણીને તલબથી લક્ષણો આવતા હોય ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા અને રોજ-બ-રોજના નિરીક્ષણ માટે રાખવામા આવે છે. જેમને આપઘાત કે મૃત્યુના સતત વિચારો સતાવતા હોય તેવા સિવિયર ડિપ્રેશનના દર્દીને દાખલ કરવા જરૂરી બને છે. અતિશય ઉશ્કેરાટમાં, ગુસ્સામાં હોય તેવા ઉન્માદના દર્દી ઉપરાંત મનોવિચ્છિન્તા અને પ્રસૂતિ પછીના સ્કાયસોસિસ પરિસ્થિતીમાં દર્દીને દાખલ કરવા જરૂરી બને છે. જેથી સતત સારવાર અને કાઉન્સેલિંગ દ્વારા તેમના મનના વિચાર જાણી શકાય.