કોરોના સહિત વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ઉપયોગી માર્ગદર્શન આપતા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ
આહવા: તા: ૮: કોરોના ની સંભવિત ત્રીજી લહેરને ઉગતી જ ડામી દેવાની સતર્કતા સાથે, ગ્રામ્ય કક્ષાએ સબ સેન્ટરો, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કક્ષાએ જ, અસરકારક ટેસ્ટિંગ કરીને જરૂરિયાતમંદ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવાની તકેદારી દાખવવાની સૂચના, ડાંગના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે આપી છે.
અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારના પ્રાથમિક લક્ષણો ધરાવતા પ્રજાજનોને જરૂર પડ્યે હોમ આઇસોલેશનમા રાખીને, જરૂરી સારવાર માટેની કીટ ઉપલબ્ધ કરાવી તેમની સુવ્યવસ્થા હાથ ધરવાની હિમાયત કરતા મંત્રીશ્રીએ આરોગ્ય વિષયક મેન પાવર, સાધન સુવિધાની સમીક્ષા હાથ ધરી હતી.
કોરોનાના કેર ને જોતા ઓનલાઇન શિક્ષણને વધુ અસરકારક બનાવવાની સૂચના આપતા મંત્રી શ્રી નરેશભાઈ પટેલે અસરકારક સંદેશા વ્યવહારની પણ હિમાયત કરી હતી.
સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપતા મનરેગાનુ સઘન આયોજન કરવાની સૂચના આપતા મંત્રીશ્રીએ, આંતર રાજ્ય સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લાના શ્રમિકોની, મહારાષ્ટ્ર રાજ્ય તરફની રોજિંદી અવરજવર વેળા અસરકારક ટેસ્ટિંગ, ચેકિંગની તકેદારી દાખવવાની પણ સૂચના આપી હતી.
આહવા સહિત વઘઇ, સુબિર, સાપુતારા જેવા મોટા નગરોમા ટેસ્ટિંગ, અને વેક્સિન બુથ ઊભા કરીને પ્રજાજનોના ટેસ્ટિંગ, વેક્સિનની કામગીરીને વધુ તેજ બનાવવાની પણ મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
પ્રભારી મંત્રીશ્રીએ સિવિલ સહિત CHC, PHC, કક્ષાએ ઓક્સિજન પ્લાન્ટ, કન્સંનટ્રેશન મશીન, વેન્ટિલેટર, ઓક્સિજન બેડ, ઓક્સિજનની જમ્બો અને મીની બોટલો, દવાનો જથ્થો, આરોગ્ય કર્મચારીઓની સેવાઓ જેવી બાબતે પણ વિશેષ પૃચ્છા કરી, સૂક્ષ્મ જાણકારી મેળવી ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
આહવા ખાતે જિલ્લા સેવા સદનના સભાખંડમા યોજાયેલી પ્રભારી મંત્રીશ્રીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમા મંત્રીશ્રીએ જિલ્લાના અન્ય વિભાગોના વિકાસ કામોની પણ સમીક્ષા કરી હતી.
દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ વિગેરેએ પણ ઉપયોગી જાણકારી આપવા સાથે પૂરક વિગતો રજુ કરી હતી.
જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ.વિપિન ગર્ગ એ જિલ્લાનુ સમગ્રતયા ચિત્ર રજુ કરી, મંત્રીશ્રીને જરૂરી વિગતો રજૂ કરી હતી.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.હિમાંશુ ગામીતે આરોગ્ય વિષયક ચિત્ર રજુ કર્યુ હતુ. નિવાસી અધિક કલેકટર શ્રી પી. એ.ગામીતે બેઠકનો કાર્યભાર સંભાળતા સુચારૂ સંકલન સાધ્યુ હતુ.
બેઠકમા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વ શ્રી અગ્નિશ્વર વ્યાસ અને નિલેશ પંડ્યા સહિત જિલ્લાના જુદાજુદા વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.
ઉલ્લેખનિય છે કે, આજની તારીખે ડાંગ જિલ્લામા ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના ૨૪,૬૩૩ લાભાર્થીઓના લક્ષ્યાંક સામે ૧૧,૮૭૮ લાભાર્થીઓ (૫૮ ટકા)ને રસીનો પ્રથમ ડોઝ આપી દેવામા આવ્યો છે. જ્યારે ૧૮ થી ઉપરની વયજૂથના ૧ લાખ ૯૦ હજાર ૬૨૬ ના લક્ષ્યાંક સામે ૧ લાખ ૬૬ હજાર ૪૮૧ (૮૭ ટકા) ને પ્રથમ, અને ૧ લાખ ૧૮ હજાર ૮૯૧ ને (૭૧ ટકા) બીજો ડોઝ આપી દેવામા આવ્યો છે.
કોરોના સામે “અમોધ શસ્ત્ર પુરવાર થયેલા રસીકરણને વધુ વ્યાપક બનાવી, સત્વરે તમામ લક્ષિત લાભાર્થીઓને રસી આપી દેવાનુ મંત્રીશ્રીએ આહવાન કર્યું હતુ.
બેઠકના બીજા દૌરમા મંત્રીશ્રીએ જુદા જુદા યોજનાકીય કામોના અમલીકરણ અધિકારીઓને સુચારુ સંકલન સાથે વિકાસ યોજનાઓને વેળાસર પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
ગ્રામ્ય કક્ષાની સામુહિક યોજનાઓમા વ્યાપક લોકભાગીદારી કેળવી, આવી યોજનાઓના સુફળ છેવાડાના લોકો સુધી પહોંચાડવાની પણ મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
પ્રાકૃતિક ડાંગની ચર્ચા કરતા મંત્રીશ્રીએ ઉદવહન સિંચાય યોજના, ૧૨ મિટરની ઊંચાઈના મધ્યમ કદના ડેમની આવશ્યકતા, નાગલી અને તેના વેલ્યુ એડેડ ઉત્પાદનો જેવા મુદ્દે ભવિષ્યના લાભો વર્ણવી સૌને સતર્કતા, જાગૃતિ, અને ચોકસાઈ સાથે કામગીરી કરવાની હિમાયત કરી હતી. મંત્રીશ્રીએ જિલ્લાના વિકાસ કામો બેવડાઈ નહિ તે જોવાની પણ સૂચના આપી હતી.

