રાજ્યમંત્રી શ્રી યોગેશભાઈ પટેલ તથા સુશ્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તેતરસમિયા EWS-1 તથા EWS-2ના ૨૩૬૮ આવસોનો ઇ-કોમ્પ્યુટરાઈઝડ ડ્રો યોજાયો
જરૂરિયાતમંદ પરિવારોની સુખ સુવિધામાં વધારો થાય તે દિશામાં સરકારના પ્રયત્નો – સુશ્રી વિભાવરીબેન દવે
રાજ્ય સરકારના નર્મદા, શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ તથા શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ તથા યાત્રાધામ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તે ગુજરાત હાઉસીંગ બોર્ડના તરસમિયા, ભાવનગર ખાતેના EWS-1 તથા EWS-2 પ્રકારના ૨,૩૬૮ આવાસ યોજનાના લાભાર્થીઓની પસંદગી માટે ઇ-કોમ્પ્યુટરાઈઝડ ડ્રો નું ભાવનગરના અટલ બિહારી વાજપાઈ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતાના સુખને કેન્દ્રમાં રાખી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તે જ રીતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ કાયદાઓમાં અનેક ફેરફારો કરી વેપારીઓ તથા નાગરિકો માટે સુખ શાંતિ સ્થપાય તેવી સુગમ વ્યવસ્થા ઉભી કરી છે.અને રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા દરેક લોકો માટેના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે હાઉસીંગ બોર્ડ દ્વારા શ્રેષ્ઠ ગુણવત્તાના મકાનો બને તે માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ જરૂરિયાતમંદ લોકોને સુખદ અનુભવ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તે માટે વર્ષ ૧૯૯૫ થી સરકારે અનેક વિષયોમાં પરિવર્તન કર્યા છે. તેમ જણાવી ગુજરાત હાઉસીંગ બોર્ડની કામગીરીની વિસ્તૃત માહિતી રજુ કરી હતી. જે લોકોને ડ્રો માં મકાનો નથી મળ્યા તેમને પણ ભવિષ્યમાં મકાનો મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે ભાવનગરમાં ૨૩૬૮ મકાનોનો ડ્રો પહેલીવાર થઈ રહ્યો છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ૨૮,૭૫૬ આવસોનું આયોજન કરી ૧ લાખ જરૂરિયાતમંદ પરિવારો રહી શકે તે માટેના આયોજન હાથ ધરાયા છે અને સામાન્ય નાગરિકો પોતાના પરિવાર સાથે આનંદથી રહી શકે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. ભાવનગરની વર્ધમાનનગર, આદર્શનગરના રિડેવલોપમેન્ટની યોજના સૌ પ્રથમ ભાવનગર ખાતે હાથ ધરાઇ અને તેનો રિડેવલોપમેન્ટ નો ૩૦ કરોડ જેટલો માતબર ખર્ચ રાજ્ય સરકારે ચૂકવશે તેવો સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ EWS-1 તથા EWS-2 મકાનોનો સ્કવેર ફૂટ એરિયા, બિલ્ડ-અપ એરિયા, પ્લોટ એરિયા, બાંધકામની કિંમત, મકાનોની અન્ય સુવિધાઓ સહિતની બાબતે ઉપસ્થિત સૌ કોઈને વિસ્તૃત માહિતી પૂરી પાડી જણાવ્યું હતું કે આ યોજના થકી લોકોને ઘરનું ઘર મળશે, ભાડામાંથી મુક્તિ મળશે અને ગામડાનો માનવી પણ હવે સરળતાથી શહેરમાં વસવાટ કરી શકશે.
કાર્યક્રમનુ સ્વાગત પ્રવચન ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા એ કર્યુ હતુ તેમજ મેયર શ્રી મનહરભાઈ મોરી તથા સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરાયુ હતુ.
આ કાર્યક્રમમા ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, શ્રી રાવળ , શ્રી બાંભણીયા, ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તથા આવાસ યોજનાના લાભાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.




