ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લાની વિવિધ પ્રાથમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિવિધ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ પરિવાર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગાંધીનગરના તમામ તાલુકાઓના બી.આર.સી. ભવન ખાતે રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રકતદાન શિબિર દરમ્યાન કુલ- ૨૧૧ બોટલ રકત એકઠું કરવામાં આવ્યું હતું.
સમાજમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરવાનું ઉમદા કાર્ય શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. કોરોનાની મહાબિમારી દરમ્યાન શિક્ષકો દ્વારા સમાજમાં લોકજાગૃત્તિ લાવવાના ઉમદા આશયથી ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને અન્ય શૈક્ષણિક સંગઠનો દ્વારા આજરોજ સમગ્ર ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકામાં આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ખાતે બી.આર.સી.ભવન, સેકટર- ૧૨ ખાતે યોજાયેલ રકતદાન કેમ્પની મુલાકાત રાજયના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી વિનોદ રાવે લીધી હતી. તેમણે માણસા, કલોલ અને દહેગામ ખાતેના બી.આર.સી. ભવનમાં યોજાઇ રહેલ રકતદાન કેમ્પની માહિતી અને રકતદાતાઓ સાથે વાતચીત વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી. સમાજને શિક્ષણ આપવા સાથે સાથે સમાજ સેવાના આ ઉમદા કાર્ય કરવા બદલ સહભાગી બનેલ તમામ શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફને આ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એમ.આઇ.જોષીએ પણ ગાંધીનગર ખાતે યોજાયેલ રકતદાન કેમ્પની મુલાકાત લઇ રકતદાન કેમ્પના આયોજકો અને રકતદાતાઓને સમાજમાં દષ્ટાંત રૂપ ઉમદા કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલ કેમ્પને સફળ બનાવવા માટે ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ર્ડા. ભરત વાઢેર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી અર્ચનાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સુચારું આયોજન કરવામાં આવ્યું હતું.








