



વિશ્વભરમા દર વર્ષે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ૮મા સંસ્કરણમા ‘માનવતા માટે યોગ’ની થીમ પર વિશ્વ વ્યાપી કાર્યક્રમો આયોજિત કરાયા હતા .
‘આંતરરાષ્ટ્રીય યોગ’ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ડાંગ જિલ્લામા અલગ અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી.
તા.૨૧ જુન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના રોજ આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ ઉજવણી કરવામા આવી હતી.
નોડલ અધિકારી એવા દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી જીગ્નેશભાઈ પટેલ, અને ડી.વાય.એસ.પી. શ્રી એસ.જી.પાટીલ, તથા ડો.જે. જે. ગામીતના અધ્યક્ષ પદે, માનવતા માટે યોગની થીમ પર આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવવામા આવ્યો હતો. જેમા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગના માસ્ટર ટ્રેનર તરીકે, પતંજલિ યોગ સમિતિના શ્રી દત્તાત્રેય મોરે, આર્ટ ઓફ લિવિંગના શ્રી ચીમનભાઈ પવાર, અને લખનભાઈ ગુલાબભાઈ તથા સરકારી માધ્યમિક શાળા આહવાના દિવ્યાંગ શિક્ષક શ્રી રાજેશ રાવલે સેવા આપી હતી.
આ કાર્યક્રમમા પી.એસ.આઇ. શ્રી જી.એમ.પવાર, પી.એસ. મકવાણા, કે. એમ.ગાંગુર્ડે, એસ.બી.ગામીત, અને કે. કે.ચૌધરીની ઉપસ્થિતિમા બસોથી વધુ પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
યોગ કાર્યક્રમની શરૂઆત ઓમકારનાદથી થઇ, ત્યારબાદ પ્રાર્થના, ચલન ક્રિયા, ચાર પ્રકારના ૨૦ જેટલા આસનો, પ્રાણાયામ, ધ્યાન, સંકલ્પ, પ્રાર્થના, અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
