અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના નાઝ ગામે વંદે ગુજરાત વિકાસ રથનું ઉષ્માભેર સ્વાગત

વંદે ગુજરાત વિકાસ યાત્રા, ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ અંતર્ગત ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં થયેલાં વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ૫ જુલાઇએ શરૂ કરવામાં આવેલ વંદે ગુજરાત વિકાસ રથયાત્રા ૧૯ જુલાઈ સુધી રાજ્યવ્યાપી ભ્રમણ કરશે. ૮૨ વિકાસરથ સાથે ૮ મહાનગરપાલિકાઓ તેમજ 33 જિલ્લાના તાલુકા તેમજ ગ્રામ્ય સ્તરે આ રથ ભ્રમણ કરશે. રાજ્યભરમાં આ રથયાત્રા અંતર્ગત 2500 થી વધુ કાર્યક્રમો યોજાશે.

વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત વિકાસરથનું અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના નાઝ ગામ ખાતે સ્વાગત કરાયું. વંદે ગુજરાત વિકાસ યાત્રાનો કાર્યક્રમ યોજાયો. નાઝ ગામના પ્રાથમિક શાળાના મેદાનમાં કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું છોડથી સ્વાગત કરવામાં આવ્યું. નાની બાળાઓએ સ્વાગત નૃત્ય કરી કાર્યક્રમને વધાવી લીધો. ગુજરાતની યશગાથા દર્શાવતું જય જય ગરવી ગુજરાત ગીત તેમજ ગુજરાતના વિકાસની ઝાંખી કરાવતી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી.

વંદે ગુજરાત વિકાસ યાત્રાના નાઝ ગામ ખાતેના કાર્યક્રમમાં ગુજરાત સરકારના 20 વર્ષના કામોનું પ્રદર્શન યોજાયું. આ સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી જનની સુરક્ષા યોજના, ICDS પોષક આહાર યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ વંદના યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ચાર પેકેટ પૌષ્ટિક આહાર, ૨ કીલોગ્રામ ચણા, ૧ કિલોગ્રામ દાળ તેમજ ૧ લિટર તેલનું વિતરણ કરવામાં આવ્યું. સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગ બસ પાસ યોજના હેઠળ બસ પાસનું વિતરણ કરવામાં આવ્યું. દિવ્યાંગોને આર્થિક સહાય મળે તે માટેની યોજનાના લાભનું વિતરણ આવી. સખી મંડળોને છ લાખની સહાયનું વિતરણ કરવાંમાં આવ્યું. કૃષિ ખાતા હેઠળ સહાય મંજૂરી નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. મફત વીજ કનેક્શનનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. વિધવા સહાયના પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. પશુપાલન ખાતા હેઠળ ગામનાં પશુઓને HS વેક્સિનેશનનો ડોઝ આપવામાં આવ્યો. વન પર્યાવરણ વિભાગ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

નાઝ ગામના રહેવાસીઓએ સરકારી યોજનાઓ વિશે વાત કરી. તેમણે કહ્યું કે ગામને તથા ગામના રહીશોને છેલ્લાં બે દાયકામાં સરકારી યોજનાઓથી ઘણાં ફાયદા થયા છે. મુખ્યમંત્રી માતૃશક્તિ વંદના યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય મળવા પામી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેના હેઠળ હેલ્થ કાર્ડ દ્વારા ગામના રહીશોને આરોગ્યની યોજનાઓનો લાભ મળ્યો છે. કોરોના કાળ બાદ થયેલી સરકારી સહાય માટે ગામવાસીઓએ આનંદ વ્યક્ત કર્યો. દરેક જગ્યાએ ગામના લોકોને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે તેમ કહેતા ગ્રામવાસીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ત્રણ ભાગમાં મળતી કુલ ૬૦૦૦ રૂપિયાની સહાય તેમજ કિસાન મેળામાં મળતી ટ્રેક્ટર, પંપ, પાઇપ વગેરેની સબસીડી સહાય માટે કિસાનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો. ભૂતકાળમાં ગામમાં વીજ કનેક્શનનો પ્રશ્ન રહેતો હતો. ગામમાં વારંવાર વીજળી ગૂલ રહેવાની સમસ્યા રહેતી હતી. જ્યોતિગ્રામ યોજનાના અમલ બાદ ગામમાં હવે સંપૂર્ણપણે રોશની રહે છે તેમજ વારંવાર વીજળી જતી રહેવાનો પ્રશ્ન હલ થઈ ગયો છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિવિધ યોજનાનું સંકલન કર્યું હતું તેના થકી ગામને વિવિધ માળખાકીય સુવિધાઓ મળી તેની માટે ગામજનો તેમનો આભાર વ્યક્ત કરે છે. ખેડૂતો વીજ કનેક્શનથી સીઝનના બે પાક લેતા થયા તે સરકારની યોજનાઓને આભારી છે. વિધવા સહાય યોજના હેઠળ ગામમાં ૫૮ જેટલી વિધવા મહિલાઓને સહાય મળી તેમજ બાકી રહેલી બહેનોને પણ વિધવા સહાય યોજનાનો લાભ મળશે. આયુષ્માન કાર્ડ યોજના હેઠળ વાર્ષિક ૫ લાખની સહાય મળે છે જે થકી ગરીબ માણસના વિવિધ રોગોનું સમાધાન થાય છે. આયુષ્માન કાર્ડ યોજના ગરીબ માણસને વરદાન રૂપ સાબિત થઈ છે.

ગ્રામજનોએ ઉમેર્યું કે, કોરોના વેક્સિનેશન યોજના હેઠળ ગામના ૮૦% કરતાં વધુ ગ્રામવાસીઓએ તેમજ ૧૨ વર્ષ કરતા નીચેની ઉંમરના બાળકોને કોરોના વેક્સિનનો ડોઝ મળ્યો, ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓને બુસ્ટરડોઝ મળ્યો તે માટે ગ્રામવાસીઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે. શાળા પ્રવેશોત્સવ નિમિત્તે પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ મળ્યો, બે દાયકા દરમિયાન સરકારે સ્કૂલો અત્યાધુનિક કરી મોટા ઓરડા બનાવ્યા, કમ્પ્યુટર લેબ બનાવી. સ્કૂલ ડ્રોપઆઉટ રેટ સતત ઓછો થાય તેમ જ શિક્ષણનું સ્તર વધે તે માટે સરકારે ખુબ જ સારા પ્રયત્નો કર્યા. ઉજ્જવલા યોજના હેઠળ ગેસની સગડી દરેક ઘરે પહોંચી તેનાથી ગામની સ્ત્રીઓ લાકડા તેમજ છાણાંનો ઉપયોગ કરતી બંધ થઇ. સ્ત્રીઓના સ્વાસ્થ્યમાં તેના પરિણામે સુધારો થયો આ માટે સૌ સ્ત્રીઓ સરકારની આભારી છે.

આ પ્રસંગે સ્વચ્છ ભારત યોજના હેઠળ ગામમાં ટ્રેક્ટર આપવાની જાહેરાત કરવામાં આવી. તેનાથી ગામમાં રહેલો બધો કચરો એકત્રિત કરી ગામને સ્વચ્છ તેમજ સુલભ બનાવવામાં આવશે. સરકારી યોજનાઓના લાભ દરેક ઘર સુધી પહોંચ્યા છે. ગુજરાતનો તથા નાઝ ગામનો ખૂબ જ વિકાસ થયો છે તેમ કહેતા ગામવાસીઓએ પાકા રસ્તા, ઉદ્યોગો, આરોગ્યની યોજનાઓ, પ્રાથમિક શિક્ષણ જેવા વિકાસ કાર્યોને વધાવી લીધા.

આ કાર્યક્રમમાં નાઝ ગામના સરપંચ, દસ્ક્રોઇ તાલુકાના મામલતદારશ્રી, તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા તથા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *