ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાની અસરગ્રસ્ત માર્ગોની સતત દેખરેખ સાથે હોમગાર્ડ અને પોલીસ જવાનોની સેવા ઉપલબ્ધ રાખવાની સૂચના :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આજે સવારે ૮ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લામા ગત રાત્રીએ નોંધાયેલા સાર્વત્રિક વરસાદને પગલે, પૂર્વપટ્ટીના સુબિર તાલુકાના જિલ્લા પંચાયત હસ્તના એક માર્ગ ઉપર પાણી ફરી વળતા, યાતાયાત માટે બન્ધ કરાયો હતો. જે સવારે દસ વાગ્યાની સ્થિતિએ વરસાદી પાણી ઓસરી જતા ખુલ્લો થવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા માર્ગ ઉપર આવેલા લો લેવલ કોઝ વે ઉપર વરસાદી પાણી ફરી વળ્યુ હતુ. પરંતુ સવારે આ વિસ્તારમા વરસાદનુ જોર ઘટતા આ કોઝ વે ઉપરનુ પાણી ઓસરતા, આ માર્ગ સવારે દસ વાગ્યાની સ્થિતિએ પુનઃ યાતાયાત માટે ખુલ્લો થવા પામ્યો છે.
વિશિષ્ટ ભૃપુસ્ઠ ધરાવતા ડુંગરાળ ડાંગ જિલ્લાની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખતા કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ, જિલ્લાના લો લેવલ કોઝ વે સહિતના માર્ગો ઉપર ઠેર ઠેર સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરી, કોઈ વાહન ચાલકો, પશુપાલકો, સ્થાનિક ગ્રામજનો જોખમી રીતે માર્ગ, કોઝ વે કે પુલ ક્રોસ ન કરે તેની તકેદારી દાખવવાની સૂચના આપી છે.
સાથે વરસાદી પાણી, ભુસ્ખલન સહિતના કારણોસર ઉદભવતી ગંદકી, કાદવ કીચડ, કે વૃક્ષો ધરાશાઈ થવાના પ્રસંગે તાત્કાલિક આવો મલબો હટાવવાની પણ સંબંધિતોને સૂચના આપી છે.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આજે સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન, ડાંગ જિલ્લામા સરેરાશ ૩૮.૨૫ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.
