ભુજ હાટ ખાતે ૨૫મીથી ૩૧મી સુધી જિલ્લાકક્ષાનો સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન યોજાશે

ભુજ,

         ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ’ અંતર્ગત જિલ્લા કક્ષાનો સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન તા.૨૫મીથી ૩૧/૭ સુધી યોજાશે. જે કાર્યક્રમના વ્યવસ્થાપન અને અમલીકરણ અંગે સંબંધિત તંત્રના અધિકારીશ્રીઓ સાથે આજરોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.

         જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી તથા સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારીશ્રી આસ્થાબેન સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાપન અંગે તેમણે અધિકારીશ્રીઓને જરૂરી સૂચના, માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભુજ હાટ ખાતે ૫૮ સ્ટોલ સાથે મેળાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. જેમાં જિલ્લાકક્ષાના તથા જિલ્લા બહારના કારીગરો તથા સખીમંડળો ભાગ લઈને પોતાની કળા, પ્રોડક્ટનું પ્રદર્શન અને વેચાણ કરશે. તેમજ મેળા સ્થળ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં સ્થાનિક કલાકારો પોતાની કળાના કામણ પાથરશે. તા.૨૫મીના સાંજે ૫ કલાકે સખી મેળા તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનો શુભારંભ કરાશે. જેમાં કેશ કેડીટ કેમ્પ અંતર્ગત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સ્ટોલની મુલાકાત લઈને કારીગરોને પ્રોત્સાહિત કરશે.

         બેઠકમાં નોડલ અધિકારીશ્રીએ જિલ્લા લાઇવલી હુડ, માર્ગ-મકાન પંચાયત વિભાગ, પીજીવીસીએલ,  ભુજ નગર પાલિકા, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા મહિલા અને બાળ વિભાગ, જિલ્લા રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના ઉપસ્થિત સર્વશ્રી સંબંધિત અધિકારીશ્રીઓને સ્ટોલની ફાળવણી, પરીસરની સુરક્ષા, પ્રચાર-પ્રસાર, પોલીસ બંદોબસ્ત, આનુષંગીક વ્યવસ્થા, કોવિડના ગાઈડલાઈનના પાલન સાથે વ્યવસ્થા કરવી, ટેકનિકલ માર્ગદર્શન અને મોનીટરીંગ, મોબાઇલ શૌચાલયની વ્યવસ્થા, સફાઇ, ફાયર ફાઈટરની હાજરી સહિતની અન્ય અપાયેલી જવાબદારી સંબંધિત જરૂરી સૂચના અધિકારીશ્રીઓને આપીને સમગ્ર આયોજન સુપેરે યોજાય માટે કામગીરી કરવા જણાવ્યું હતું.

         આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારી સર્વશ્રી આઈ.એચ.ચૌહાણ, કિશનભાઇ પટેલ, એ.પી.દવે,  એન.પી.ગાગલ,  બી.સેંઘાણી,  વાય.એચ.વાસવાણી ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM