સિદ્ધપુરમાં ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત સફાઈ અભિયાન: ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતનું શ્રમદાન

“સ્વચ્છ સિદ્ધપુર, શ્રેષ્ઠ સિદ્ધપુર” – મહારાજા સયાજીરાવ પ્રતિમા પરિસરમાં સફાઈ અભિયાન યોજાયું




ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ પખવાડિયા નિમિત્તે સિદ્ધપુર નગરપાલિકા અને સિદ્ધપુર શહેર ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે શહેરના મધ્યસ્થ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્થળ મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પરિસર, જૂના ટાવર ચોક ખાતે ભવ્ય સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.ધારાસભ્યશ્રીનું પ્રેરક શ્રમદાન:આ સ્વચ્છતા અભિયાનમાં સિદ્ધપુર-પાટણ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન. શ્રી બલવંતસિંહજી રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માત્ર હાજરી જ નહીં, પરંતુ સ્વયં હાથમાં સાવરણો લઈને પ્રતિમા પરિસર અને આસપાસના માર્ગોની સફાઈ કરીને “સ્વચ્છતા એ જ સેવા” ના મંત્રને સાકાર કર્યો હતો. તેમની આ સેવાભાવનાથી ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ અને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.તેમણે સફાઈ અભિયાન બાદ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, “સ્વચ્છતા એ કોઈ એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ આપણી રોજિંદા જીવનની સામૂહિક જવાબદારી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દરેક નાગરિકે પોતાના ઘરથી શરૂઆત કરવી પડશે. આપણું ઘર, આપણી શેરી, આપણો મહોલ્લો અને આપણા જાહેર સ્થળો સ્વચ્છ હશે તો જ રોગચાળાથી મુક્ત અને સ્વસ્થ સિદ્ધપુરનું નિર્માણ થશે.”વિશાળ જન ભાગીદારી:આ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે નગરપાલિકાના સફાઈ વિભાગના કર્મચારીઓએ સવારથી જ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં સિદ્ધપુર નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, એપીએમસીના ચેરમેનશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી, નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, શહેર સંગઠનના મહામંત્રીશ્રીઓ અને હોદ્દેદારોશ્રીઓ, મહિલા મોરચાના બહેનો, યુવા મોરચાના યુવાનો, વિવિધ મોરચા-સેલના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા મોટી સંખ્યામાં જાગૃત નગરજનો સ્વયંભૂ રીતે જોડાયા હતા.અંતમાં તમામ ઉપસ્થિતોએ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવાના અને અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાના સંકલ્પ લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું.