


અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને એચ.બી.કાપડિયા સ્કુલના વિદ્યાર્થીઓને e-FIR પ્રોજેક્ટ વિશે વિસ્તૃત જાણકારી અપાઈ


યુવાવર્ગના સંપર્ક અને ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી ગુનાખોરીને ડામવા અમદાવાદ પોલીસને સાંપડ્યો વિદ્યાર્થીઓનો સાથ



e-FIR કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે લોન્ચ થયેલા e-FIR પ્રોજેક્ટને વેગવંતો બનાવવા માટે અમદાવાદ પોલીસે બીડું ઝડપ્યું છે. રાજ્ય પોલીસ વડાના પરિપત્ર બાદ અમદાવાદ શહેર ઝોન-1ના વિવિધ પોલીસ મથકકક્ષાએ કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે. વાહન અને મોબાઈલ ચોરી જેવા ગુનાઓમાં ત્વરિત કાર્યવાહી માટે e-FIR પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના વિશે વિસ્તૃત જાણકારી આપવા માટે અમદાવાદ શહેર ઝોન-1 નાયબ પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં આજે 26/07/2022ના રોજ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થી વર્ગમાં e-FIR પ્રોજેક્ટ વિશે જાગૃતતા વધે તે હેતુથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એચ.બી.કાપડિયા સ્કુલમાં જાગૃતતા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. યુવાનોને તેમની જ ભાષામાં સમજાવી શકાય તે માટે e-FIR પ્રોજેક્ટ વિષયક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને પ્રોજેક્ટ પર બનેલી ખાસ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં e-FIR ક્યા સંજોગોમાં થઈ શકે, e-FIR કેવી રીતે કરવી, E -FIR નોંધાવ્યા બાદની પ્રક્રિયા શું હોય છે આ તમામ બાબતોથી તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.



એક જાગૃત વિદ્યાર્થી બરાબર એક જાગૃત પરિવાર તે અભિગમ સાથે પોલીસ અધિકારીઓએ પ્રોજેક્ટ વિશે વિદ્યાર્થીઓના મનમાં ઉદ્ભવતા દરેક સવાલનું સમાધાન થાય તે રીતે માર્ગદર્શન પુરૂ પાડ્યું. ત્યારબાદ હાજર સૌ કોઈ સિટીઝન એપ ડાઉનલોડ કરી શકે તે માટે ક્યૂઆર કોડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ક્યૂ આર કોડના માધ્યમથી કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાના સ્ટાફે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આમ, પોલીસ વિભાગની આ ઝુંબેશ બાદ મોટી સંખ્યામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ પોતાની સાથે અથવા તો આસપાસ બનતા મોબાઈલ કે વાહનચોરીના ગુનાઓ પર તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. પીજી અથવા તો અન્ય રહેણાક વિસ્તારોમાં વિદ્યાર્થીઓના મોબાઈલ અને વાનચોરીના બનાવો સામે રહ્યા છે એવા સંજોગોમાં પોલીસની આ પહેલને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોએ પણ અતિ અગત્યની ગણાવી હતી. ઉપરોક્ત બંને કાર્યક્રમોમાં અમદાવાદ શહેર ઝોન-1 નાયબ પોલીસ કમિશ્નર ડૉ. લવીના સિન્હા, યુનિવર્સિટી અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી, કર્મચારીઓ તેમજ સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ અને એચ.બી.કાપડિયા સ્કુલના ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલ સહિત સ્ટાફના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

