

મરી ફિટયા દેશ માટે,રાખી હતી મનમાં જીદ,આજે સૌને યાદ જ કરીએ નામી અનામી શહીદ-ભગવતદાન ગઢવી
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે, આપણને ગુલામીની ગર્તામાંથી આઝાદી અપાવનાર આપણા વીરવર ક્રાંતિકારીઓની બલિદાનની ગાથાને વાગોળવા,તેમણે આપેલા સમર્પણ, ત્યાગ અને બલિદાનને યાદ કરવા બલિદાનની વેદી પર હસતા મોઢે આહુતિ આપનાર હુતાત્માઓને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આપણો એ જ વારસો એ જ રાષ્ટ્ર ભક્તિ, દેશભક્તિનું સ્વાભિમાન ભાવી પેઢીમાં ઉતરે અને આપણા વીરવર ક્રાંતિકારીઓને આપણા વિદ્યાર્થીઓ ઓળખે એવા શુભ આશયથી એક નવતર પ્રયોગના ભાગરૂપે શ્રી ઝાડીયાણા પ્રાથમિક શાળા ખાતે 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આઝાદીના લડવૈયાઓ, ભારત દેશના સપૂતો કે જેમણે પોતાના લોહીથી આઝાદીને રંગી છે એવા વીરવર 21 ક્રાંતિકારીઓના જીવન કવન ની વ્યાખ્યાનમાળા યોજવામાં આવી. માતૃભૂમિ માટે હસતા મુખે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી મા ભારતીના ચરણે માથું ધરનાર અને જેમની ઇતિહાસમાં ખાસ નોંધ ન લેવાઈ હોય તેવા વીરવર ક્રાંતિકારીઓ અને વીરાંગનાઓના જીવન અને કવન વિશે સ્વાતંત્ર્ય વીર શ્રેણી કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વ્યાખ્યાનમાળાના સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા. ધરતી ઢેર થયેલ હુતાત્માઓને સ્વાતંત્ર્યવીર શ્રેણીના માધ્યમથી જગતના ચોક સમક્ષ મૂકી સાચી અંજલિ આપવાના આ મહાયજ્ઞમાં ભાગ લઈ સમીધ બનનાર દરેક બાળકોને પ્રોત્સાહિત કરવા અને પીઠ થાબડવા શ્રી ઝાડીયાણા પ્રા.શાળાના શિક્ષક અને શ્રેણી સંયોજક ભગવતદાન ગઢવી અને જીતેનભાઈ પટેલ દ્વારા આકર્ષક પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.