
જિલ્લા કલેકટરશ્રીએ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઈન જોડાઈને ખેડા જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નક્કર પગલાં લેવાની ખાતરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોની રજૂઆત સાંભળીને વીડિયો કોન્ફરન્સથી જોડાયેલા વિવિધ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાઓનું સુખદ અને ત્વરિત નિરાકરણ લાવવા નિર્દેશ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, ખેડા, વડોદરા અને અમદાવાદના વિવિધ અરજદારો દ્વારા મુખ્યત્વે અનધિકૃત જમીન દબાણ, પોલીસ ફરયાદ, અને બનાવટી ખેત બિયારણોના વળતર અંગેના કુલ ૮ પ્રશ્નોને મુખ્યમંત્રીશ્રીની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોને મુખ્યમંત્રીશ્રી ધ્યાનપૂર્વક સાંભળી જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરવામા આવ્યો હતો. તેમજ મુખ્યમંત્રીશ્રી દ્વારા અરજદારોને આ પ્રશ્નનો ઝડપી નિકાલ માટેનું આશ્વાશન આપવામાં આવ્યું હતું.
રાજ્ય સ્વાગતના આ કાર્યક્રમમાં ખેડા જિલ્લામાંથી ગેરકાયદેસર જમીન દબાણના કુલ ૨ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેને કલેકટરશ્રી કે.એલ.બચાણીએ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન ના આધારે જિલ્લા રજિસ્ટ્રાર ની સાથે રૂબરૂ ચર્ચા વિમર્શ કરી તાકીદે પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટશ્રીની કચેરીએ યોજાયેલી બેઠકમાં એસપી ખેડા, રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટરશ્રી વિપુલ પટેલ, ઇન્ચાર્જ ડીડીઓ પી.આર.રાણા, જીલ્લા રજિસ્ટ્રાર ઉર્વશી પટેલ, અધિક ચિટનીશ આર.જી. ઠેસિયા, ડીવાયએસપી SC/ST સેલ કે.જી. પટેલ,આર.જી. ઠેસિયા, અને પ્રાંત અધિકારીશ્રી જોડાયા હતા.