આવતીકાલથી 4 ઓક્ટોબર સુધી નવરાત્રી યોજાશે વડોદરા શહેરના દરેક ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી-ટીમ તૈનાત કરાશે
રિપોર્ટ : ચિરાગ પાંડેય

છેડતી કરતા ટપોરીઓ પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
સામાન્ય દિવસોમાં યુવતીઓ, મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો ન બને તે માટે શી-ટીમ હંમેશા પ્રયત્નશીલ રહે છે. ત્યારે કાલથી શરૂ થતી નવરાત્રીમાં પણ પોલીસ શી-ટીમ તૈયાર થઇ ગઇ છે. વડોદરા શહેરમાં મહિલાઓ અને યુવતીઓને નવરાત્રીમાં સુરક્ષા આપવા માટે શી-ટીમ તૈયાર રહેશે. એટલે કે યુવતીઓ સાથે છેડતી કરતા ટપોરીઓની ખેર નથી.
નવરાત્રીમાં શહેરમાં વિવિધ જગ્યાઓએ ગરબા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં યુવતીઓ એકત્રીત થતી હોય છે. અને આ જ સમયે ઘણા અસામાજીક તત્વો પણ સક્રિય થતા હોય છે તેમજ મહિલાઓની છેડતીના ઘણા બનાવો સામે આવતા હોય છે.
પરંતુ આ નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા માટે શી-ટીમે પહેલેથી જ કમર કસી લીધી છે. યુવતીઓ સલામત રીતે ગરબાનો આનંદ માણી શકે તેમજ તેઓની સાથે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર-ઠેર ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી-ટીમ તૈનાત કરાશે.અને યુવતીઓની છેડતી કરતા ટપોરીઓ પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલ 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી નવરાત્રી યોજાશે. કોરોનાના બે વર્ષના વિરામ બાદ આ વર્ષ નવરાત્રી યોજાય રહી છે. જેને લઇને સરકારે પણ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી દીધી છે. જેને લઇને ખેલૈયાઓ સહીત આયોજકોમાં પણમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્યારે મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે હવે શી-ટીમ તૈયાર છે.
