૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા મત વિસ્તારની મતગણતરી માટે ચૂંટણી તંત્ર સજ્જ

તા. ૮મી ડીસેમ્બરે આહવાની વિજ્ઞાન કોલેજ ખાતે સવારે ૮:૦૦ વાગ્યાથી શરૂ થશે મત ગણતરી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૭ : ૧૫મી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નુ પરિણામ તા. ૮મી ડીસેમ્બરે જાહેર થનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્રે મત ગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

ચૂંટણી અધિકારી-વ-પ્રાંત અધિકારી શ્રી રાજેન્દ્રસિંહજી ચૌહાણના જણાવ્યા અનુસાર, ૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા મતદાર વિભાગની પ્રથમ ચરણમા, એટલે કે તા.૧લી ડીસેમ્બરે યોજાયેલી ચૂંટણીની મત ગણતરી, આહવાની વિજ્ઞાન કોલેજ ખાતે તા. ૮મી ડીસેમ્બરે સવારે ૮:૦૦ વાગ્યાથી હાથ ધરાશે.

આ માટે અંદાજીત ત્રણસો જેટલા ચૂનંદા કર્મચારી/અધિકારીઓની સેવા લેવામા આવી રહી છે. વિજ્ઞાન કોલેજના મત ગણતરી હોલમા પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ચોવીસ જેટલા રાઉન્ડની ગણતરી હાથ ધરવાની ચૂંટણી તંત્રે તૈયારીઓ કરી છે. 

જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રશાસન, સંબંધિત અધિકારી/કર્મચારીને માર્ગદર્શિત કરી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા કુલ નોંધાયેલા ૯૬,૩૮૭ સ્ત્રી, ૯૬,૯૦૯ પુરુષ, અને ૨ થર્ડ જેન્ડર મતદાતાઓ મળી કુલ- ૧,૯૩,૨૯૮ મતદારો પૈકી ૬૪,૭૧૬ પુરુષ, અને ૬૫,૪૪૮ સ્ત્રી મળી કુલ-૧ લાખ ૩૦ હજાર ૧૬૪ મતદારોએ, તા. ૧લી ડીસેમ્બરના રોજ મતદાન કરતા, અંહી ૬૭.૩૩ ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *