
ભારત સરકારની ફૂડ મિનીસ્ટ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ કોઈ પણ ઉદ્યોગના મુલ્યવર્ધન અથવા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ શરૂ કરી શકે છે. નાના ફૂડ પ્રોસેસિંગ એકમો જેવા કે, અથાણું, દાળ મિલ, ચોખા મિલ, બેકરી, પાપડ, ખાખરા, ફળના જ્યુસ, ચિપ્સ, પનીર, ચીઝ, માવો, આઇસ્ક્રીમ, પાવડર, મસાલા પ્રોસેસિગ યુનિટ જેમ કે હડદર અને મરચા, તલ અને સીંગની ચિક્કી, કચરીયું, ખાધ તેલ કેન્ડી વગેરે જેવા મુલ્યવર્ધન થતી બધી ખાધ પ્રોડકટ્સ આ યોજનામાં આવરી લેવામાં આવેલી છે. તેમજ આ બધા વ્યવસાયમાં ફળ-શાકભાજીનો બગાડ અટકાવીને ખેડૂતોને પણ વધારે પોષણક્ષમ ભાવો મળી શકે છે.
આણંદ જિલ્લા કલેકટરશ્રી ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજના અંતર્ગત જીલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, નાયબ બાગાયત નિયામકશ્રી ર્ડા.સ્મિતા પિલ્લાઈ તેમજ સબંધિત અધિકારીશ્રીઓ સાથે મિટીગ યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ આ યોજનામાં વધુમાં વધુ નવા ઉદ્યોગ સાહસિકોને જોડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ યોજના અંતર્ગત ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવા માટે ખાનગી માઇક્રો ફૂડ પ્રોસેસિગ ઉદ્યોગો માટે પ્રોજેકટ ખર્ચના ૩૫% સબસિડી મહત્તમ રૂ.૧૦ લાખની મર્યાદામાં મળી શકે છે, તેમજ એફ.પી.ઓ, સહકારી, સ્વ-સહાય જુથોને ક્રેડિટ લિક્ડ સાથે ૩૫% ના દરે સબસિડી મહત્તમ રૂ. ૩ કરોડની મર્યાદામાં સહાય મળી શકે છે.
આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા જિલ્લા સેવા સદનના ચોથો માળે, રૂમ નં ૪૨૭-૪૨૯ આણંદ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી રૂબરૂ અથવા બાગાયત અધિકારીશ્રી કમલ આર. ઠાકોરનો કચેરીનો ૦૨૬૯૨-૨૬૨૦૨૩ પર સંપર્ક કરી શકાશે, તેમ આણંદ નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદી દ્વારા જણાવાયુ છે.