
એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવાઈ

વાડીમાં થતા લીલા શાકભાજી અને ઔષધીય વનસ્પતિ અંગે સમજણ અપાઇ

ઝરપરા, તા.21: તાજેતરમાં ઝરપરાની મારવા વાડી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 4માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોને તંદુરસ્ત જીવન જીવવાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં સંકેત પટેલે પ્રસંગ પરિચય આપ્યો હતો. જ્યારે એડોલેસન હેલ્થ કાઉન્સિલર મહેન્દ્ર વાઘેલાએ કિશોર અવસ્થામાં થતા ફેરફારો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

શાળાના આચાર્ય રેખાબેન સુથારે ગઢવી સમાજના બાળકોની એકતા અને ભાઈચારાની વાત કરતા સારા – નરસા સામાજિક પ્રસંગે એક થઈને રહેવાની ભાવનાને બિરદાવી હતી. હેલ્થ સુપરવાઇઝર પ્રકાશ ઠક્કરે વાડી વિસ્તારમાં થતાં લીલા શાકભાજી તથા ઔષધીય વનસ્પતિનો ખોરાક અને માંદગીમાં દવા તરીકે ઉપયોગ કરવાની સમજણ આપી હતી.
ચારણ સમાજના બાળકોએ સોનલ બીજની ઉજવણીના ભાગરૂપે તૈયાર કરેલ લોકગીતોની રમઝટ બોલાવી સૌના દિલ જીતી લીધા હતા.

સમગ્ર દિવસ દરમિયાન રમત – ગમત અને વક્તવ્યમાં સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે તમામ બાળકોને નોટબુક, બોલપેન અને નાસ્તો આપવામાં આવેલ હતો.
સપનાબેન પટેલ અને નીરૂબેને બાળકોની હિમોગ્લોબીન તપાસ કરી હતી. જ્યારે સ્થાનિક આશા ભાવનાબેન ભરાડીયા અને ભારતીબેન મીઠીયાએ બાળકોના વચન – ઊંચાઈ કર્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કેન્દ્રના ચિરાગ ઉપેરિયા, દેવેન્દ્ર ચાવડા, નિકુલ પરમાર તથા શાળાના શિક્ષકો સંજયભાઈ ઓઝા, સોનબાઈ ગઢવી વિગેરે સહયોગી રહ્યા હતા.
