

જે રીતે બાળક મહેનત કરતુ હોય એના કરતા વધુ મહેનત શિક્ષકોએ કરવાની હોય છે- ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી


કમલમ ન્યુઝ.સમીર શાહ. વ્યારા.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરીત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-તાપી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તાપી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તાપીના સંયુકત ઉપક્રમે આયોજીત પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ નાવિન્યપૂર્ણ કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા અને જિલ્લાની અન્ય શાળાના શિક્ષકોને માર્ગદર્શન મળી રહે તે હેતુસર તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પ્રાથમિક શાળા કાપુરા ખાતે કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, ગ્રામપંચાયત, કપુરાના સરપંચશ્રી વૈશાલીબેન ચૌધરીની ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ ૨૦૨૨-૨૩નો ઓપનિંગ કાર્યક્રમ યોજાયો હતો.









આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી ધારાસભ્ય મોહનભાઇ કોંકણીએ જણાવ્યું હતું કે, બાળકોને કઈ રીતે શીખવવું કે તે જલદીથી ગ્રહણ કરી શકે, તેવી આવડત મોટા ભાગના શિક્ષકોમાં છે. બાળકોને જે પણ કઇ નવું નવું શીખવામાં આવશે તો એ બાળકો ખૂબ આગળ જશે. જેમ બાળક મહેનત કરતુ હોય એના કરતા ડબલ મહેનત શિક્ષકોએ કરવાની હોય છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ શિક્ષકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરું પાડતા જણાવ્યું હતું કે, બાળકોનો જો પાયો નબળો હશે તો આપણું બાળક માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં એ કાયમ માટે નબળું જ રહેશે. જે રીતે એક ખેડૂત પોતાના ખેતરમાં વાવણી કરે છે, નિંદામણ કરે, પાણી પીવડાવે, અને સારો પાક મેળવે છે એવી જ રીતે દરેક શિક્ષકે પ્રાથમિક શાળાના બાળકોની કાળજી લેવાની હોય છે.
આ પ્રસંગે જિલ્લાના એજ્યુકેશનલ ઈનોવેશનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને નવાજવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ શાળાઓ દ્વારા એજ્યુકેશનલ પ્રદર્શની સ્ટોલ મુકવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને ઇનોવેટિવ રિસર્ચ કરવા અને અનાથ બાળકો માટે સવિશેષ પ્રયત્ન કરવાના સંકલ્પ લીધા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી ધારા પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપીના પ્રાચાર્ય ડો. વાય. કે. પટેલ, ગોવિંદભાઇ ગંગોડા, શિક્ષક સંઘના અધ્યક્ષશ્રી અર્જુનભાઇ, પિયુષ ચૌધરી, ડો.સંજય ત્રિવેદી, હર્ષાબેન યાદવ સ્નેહાબેન, હિનાબેન, આચાર્યશ્રી સુંદરબેન તથા વિવિધ શાળાના આચાર્યશ્રીઓ/શિક્ષકો તથા મોટી સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ,ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.