સરકારી યોજનાના અમલીકરણ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને પ્રથમ સંકલન બેઠક યોજાઈ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ

ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા આયોજન ભવન ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની નિયુક્તિ બાદ જિલ્લા અધિકારીઓની પ્રથમ બેઠકને સંબોધતા મંત્રીશ્રીએ, જે તે વિભાગને ફાળવાયેલી ગ્રાન્ટ સમયસર પૂર્ણ કરી, જરૂરી વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ પણ સમયસર મેળવી લેવાની તાકિદ કરી હતી.
જિલ્લા આયોજન ભવન ખાતે આયોજીત બેઠકમા મંત્રીશ્રીએ પ્રજા કલ્યાણના કાર્યો ખોટી રીતે વહીવટી પ્રક્રિયામા ન અવરોધાય તેની તકેદારી દાખવવા પણ અપીલ કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મહત્વાકાંક્ષા અનુસાર, છેવાડાના માનવીઓના સર્વાંગીણ વિકાસ માટેના કાર્યો યોજનાઓનો લાભ સમયસર સંબંધિતોને મળે તે અનિવાર્ય છે તેમ જણાવતા પ્રભારી મંત્રીશ્રીએ, પ્રજા કલ્યાણનુ હિત હૈયે રાખવાની પણ સૌ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.
બેઠક દરમિયાન મંત્રીશ્રીએ આદિજાતી વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર, આયોજન મંડળ, પાણી પુરવઠા, વાસ્મો, શિક્ષણ, આરોગ્ય, વીજ, માર્ગ અને મકાન વગેરે વિભાગની સુવિધાઓની ઝીણવટભરી સમિક્ષા હાથ ધરી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ જિલ્લા વહીવટી તંત્ર વતી પ્રભારી મંત્રીશ્રીનું સ્વાગત કરી, જિલ્લાના વિકાસ કાર્યો-યોજનાઓથી મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા. કલેક્ટરશ્રીએ, મંત્રીશ્રીની અપેક્ષાઓ મુજબ જિલ્લાના કાર્યો સમય મર્યાદામા પૂર્ણ થાય તેવી જિલ્લા પ્રશાસન વતી ખાતરી પણ આપી હતી.
આ બેઠકમાં ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લાના ધારાસભ્યો સર્વશ્રી શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી ડી.કે.સ્વામિ, શ્રી રિતેશભાઈ વસાવા, તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. આર. જોષી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ સહિત જિલ્લાના ઉચ્ચ-વરિષ્ઠ અધિકારીઓ, તાલુકા પંચાયતોના પ્રમુખશ્રીઓ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *