“વિશ્વ આખું ખેડૂતોને ‘જગતનો તાત’ કહે છે , ત્યારે લોકોના ભાણામાં સાત્વિક ભોજનની જગ્યાએ રાસાયણિક ઝેર ન પીરસાય એ જોવાની આપણી નૈતિક ફરજ છે.”

ગાંધીનગરનાં માણસા તાલુકાના 69 વર્ષના પ્રહલાદભાઈ પટેલ છેલ્લા 11 વર્ષોથી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રણ લઈ પ્રેરણાદાયી પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે પૂછતા તેઓ જણાવે છે કે,”હું પોતે ખેડૂત નો દીકરો છું એટલે વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો હોવાથી ખેતીના વિષય સાથે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલો છું. સમય સાથે બધું બદલાય તેમ ખેતીના આયામો અને પદ્ધતિ પણ બદલાતી ગઈ અને જૂની પારંપરિક રીતો કે પદ્ધતિ ભુલાતી ગઈ.” તેમની આ વાત સાચી છે. આજે આ ભુલાતી પ્રાકૃતિક ખેતી ની સજા આપને ભોગવી રહ્યા છીએ. એટલુજ નહીં કેન્સર જેવી ભયંકર બીમારીઓને નોતરું આપી બેઠા છીએ.વ્યસની વ્યક્તિને કેન્સર થાય તો સ્વાભાવિક છે, તેનું કારણ સમજાય. પરંતુ નિર્વ્યસની વ્યક્તિ પણ હવે આ ભયંકર રોગની ચપેટમાં આવી રહ્યા છે,તેનું મુખ્ય કારણ રાસાયણિક ખેતી છે. વધુ પાક લેવાની લાલચમાં આપણે રાસાયણિક પદાર્થો નો ઉપયોગ કરી આર્થિક રીતે નફો મેળવીએ છીએ, પરંતુ સામે લાખોના જીવનને જોખમમાં મૂક્યા છે, જમીનને પણ બંજર કે બિન ખેતીલાયક બનાવી છે. પ્રહલાદભાઈ કહે છેકે “રસાયણ વાપરી જમીનની ફળદ્રુપતા માટે જરૂરી જીવાણુ મારીને આપણે ખેતી અને વ્યક્તિના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઉભુ કર્યુ છે.આ રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય પ્રકૃતિક ખેતી છે.આ વાતને ખેતરે ખેતરે પહોંચાડવા લોદરાના વતની પ્રહલાદભાઈ પ્રકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે.
તેઓ છેલ્લા ૧૧ વરસથી ખેતરે ખેતરે ફરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, જીવામૃત-ઘનજીવામૃત અને પ્રકૃતિક ખેતી પદ્ધતિની સમજ આપી રહ્યા છે. રાસાયણિક ખેતીને પરિણામે માનવના સ્વાસ્થ્ય સામે કેવો ખતરો પેદા થયો છે તેની સમજ આપી પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અનુરોધ કરે છે.વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરતા કરવાના ધ્યેય સાથે પ્રહલાદભાઈએ પ્રાકૃતિક કૃષિનો પ્રચાર માટે ભેખ ધરી લીધો છે.તેમની આ પ્રતિબદ્ધતાને કારણે આજે સરકારના કૃષિ વિભાગ કે બાગાયત વિભાગ દ્વારા યોજાતી ખેડૂત માર્ગદર્શન શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના માર્ગદર્શન માટે પ્રહલાદ ભાઈને અચૂક નિમંત્રણ આપવામાં આવે છે.તેઓ કહે છે કે “ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃત કરવા એજ મારો ધ્યેય છે.
જો ખેડૂત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન ઇચ્છે અથવા જીવામૃત-ઘન જીવામૃત જેવા પ્રાકૃતિક ખાતર માટેની માહિતી કે ખાતર જાતે બનાવવાની ઈચ્છા વ્યક્ત કરે તો પ્રહલાદભાઈ તેમના ખેતર સુધી જઈ વગર સ્વાર્થે મદદ કરે છે,માર્ગદર્શન આપે છે. તેઓ જણાવે છે કે આપણી સરકાર પણ પ્રાકૃતિક ખેતી માટે જાગૃત છે, અને ખૂબ જ પ્રયત્નશીલ છે જેથી તેમને હવે તેમના લક્ષમાં આગળ વધવા માટે મદદ અને માર્ગ સરકારની શિબીરો થકી મળી ગયો છે. તેઓ ખેડૂતોની સંબોધતા જણાવે છે કે “વિશ્વ આખું ખેડૂતોને ‘જગતનો તાત’ કહે છે , ત્યારે આ બિરુદનું માન રાખવા લોકોના ભાણામાં સાત્વિક ભોજનની જગ્યાએ રાસાયણિક ઝેર ન પીરસાય એ જોવાની આપણી નૈતિક ફરજ છે.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *