

કમલમ ન્યુઝ. સમીર શાહ.
લોકસભાના માનનીય અધ્યક્ષ શ્રી ઓમ બિરલાના વરદ હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી, સંસદ સભ્યશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યશ્રીઓ માટેની બે-દિવસીય સંસદીય કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યશાળામાં સંસદીય લોકશાહીમાં જનપ્રતિનિધિઓની ભૂમિકા અને સંસદીય કાર્યપ્રણાલી ઉપરાંત બંધારણીય સંસ્થાઓની ભૂમિકા, સંસદીય વિશેષાધિકારો, વિધાનસભામાં કાયદો ઘડવાની પ્રક્રિયા, G-20માં ભારતનું પ્રમુખ સ્થાન જેવા વિવિધ વિષયો પર સંસદીય બાબતોના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ સંસદ અને વિધાનસભાને લોકશાહીના મંદિર ગણાવતાં જણાવ્યું કે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશીને શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આ કાર્યશાળા 15મી વિધાનસભાના પ્રત્યેક જનપ્રતિનિધિ માટે જાહેરજીવન અને જનસેવા સમર્પણનો સુવર્ણકાળ બની રહેશે.
