ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ના વિસ્તરણ સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે મુજબ, સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ હેઠળ તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી ગુજરાતના ૧૬ આંશિક અમલીકૃત અને ૧૫ બિનઅમલીકૃત મળી કુલ ૩૧ જિલ્લાઓમાં ESIC યોજનાનો પૂર્ણ અમલ કરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ESIC ના આ વ્યાપક વિસ્તરણના પરિણામે રાજ્યના અંદાજે ૮ થી ૧૦ લાખ નવા શ્રમિકો અને તેમના પરિવારો સામાજિક સુરક્ષા કવચ હેઠળ આવરી લેવાશે. આ યોજના અંતર્ગત પાત્ર શ્રમિકોને કેશલેસ સારવાર, માંદગી દરમિયાન રોકડ સહાય, પ્રસૂતિ લાભ તેમજ અપંગતા સહાય જેવી વિવિધ આરોગ્યલક્ષી અને સામાજિક સુરક્ષાની સેવાઓ પ્રાપ્ત થશે.
વધુમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે શ્રમિક કલ્યાણ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે આ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ નિર્ણય હેઠળ ESIC ના સંપૂર્ણ અમલીકૃત ૧૫ જિલ્લાઓમાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, મહિસાગર, નર્મદા, પાટણ, તાપી અને વાવ-થરાદનો સમાવેશ થાય છે. જ્યારે આંશિક અમલીકૃત ૧૬ જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગરના નિર્ધારિત વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે.
આરોગ્ય સુવિધાઓ અંગે વધુ વિગતો આપતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, “હાલમાં રાજ્યમાં ૧૦૩ ESIS ડિસ્પેન્સરીઓ અને ૧૧ ESIC/ESIS હોસ્પિટલો કાર્યરત છે. આ ઉપરાંત શ્રમિકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે ૨૩૪ CHC અને PHC ને એમ્પેનલ કરવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, સાણંદ ખાતે ૩૫૦ બેડ અને કલોલ-ગાંધીનગર ખાતે ૧૫૦ બેડની ક્ષમતા ધરાવતી ESIC હોસ્પિટલનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. જ્યારે હાલોલ -પંચમહાલ અને સાવલી -વડોદરા ખાતે ૧૦૦-૧૦૦ બેડની હોસ્પિટલો માટે જમીન ફાળવણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ સાથે મહેસાણા, ગાંધીધામ અને મોરબી ખાતે નવી ESIC હોસ્પિટલો શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદ ખાતે ESIC મેડિકલ કોલેજ કાર્યરત કરી દેવામાં આવી છે અને સુરત ખાતે નવી કોલેજની પ્રક્રિયા ચાલુ છે. શ્રમિકોને ઘરની નજીક ઉત્તમ તબીબી સેવાઓ મળે તે હેતુથી છેલ્લા બે મહિનામાં ૧૩ સરકારી અને ૫૫ ખાનગી મળી કુલ ૬૮ પ્રતિષ્ઠિત હોસ્પિટલોને ESIC ની પેનલમાં જોડવામાં આવી છે. આ ઉપરાંત PM-JAY હેઠળની ૯૦૦ ખાનગી અને ૧,૧૨૭ સરકારી હોસ્પિટલો મારફતે પણ પાત્ર શ્રમિકોને સીધી કેશલેસ સારવારનો લાભ મળશે.
વહીવટી વ્યવસ્થા અંગે વધુ માહિતી આપતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોના શ્રમિકોને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ મળી રહે તે હેતુથી રાજકોટ ખાતે નવી ESIC પેટા પ્રાદેશિક કાર્યાલય -Sub-Regional Office – SROને મંજૂરી આપવામાં આવી છે. આ નવી કચેરી શરૂ થવાથી સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાઓના વહીવટી કામકાજ, યોગદાન અને કલેઈમ સંબંધિત તમામ કામગીરી વધુ ઝડપી અને સુચારુ રીતે હાથ ધરી શકાશે.
રાજ્યમાં હાલમાં અંદાજે ૨૧.૬૮ લાખ ESIC હેઠળ નોંધાયેલા કામદારો છે જેમાં તેમના પરિવારજનો મળીને કુલ આશરે ૮૪ લાખ લાભાર્થીઓ આરોગ્ય તથા સામાજિક સુરક્ષાનો લાભ મેળવી રહ્યા છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સમગ્ર ગુજરાતમાં આ યોજના પૂર્ણપણે લાગુ કરવામાં આવ્યા બાદ વધુ ૮ થી ૧૦ લાખ નવા કામદારો નોંધાશે. આ વ્યાપક વિસ્તરણના પરિણામે રાજ્યમાં નોંધાયેલા શ્રમિકોની સંખ્યા વધીને અંદાજે ૩૨ લાખ સુધી પહોંચશે, જેનાથી શ્રમિકો અને તેમના પરિવારજનો સહિત રાજ્યના કુલ ૧.૨૦ કરોડ નાગરિકોને ESIC યોજના હેઠળ કેશલેસ સારવાર અને સામાજિક સુરક્ષાનું મજબૂત કવચ પ્રાપ્ત થશે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં ESI કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ઈન્સ્યોરન્સ કમિશનર શ્રી રત્નેશ કુમાર ગૌતમ, રીજિનલ ડાયરેક્ટર અમદાવાદ શ્રી હેમંતકુમાર પાંડે, ESIના મેડીકલ સર્વિસના નિયામક ડૉ. મોનિકા પટેલ તથા રાજ્ય તબીબી અધિકારી ડૉ. વિજય ધાણક ઉપસ્થિત રહ્યા હતાં.