



કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ.
તાપી એજ્યુકેશન અકેડમી દ્વારા સંચાલિત પી. પી. સવાણી વિદ્યામંદિર કાટગઢ ખાતે અતિ ભવ્ય" રમતોત્સવ- 2023" ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.
સ્પોર્ટ્સ ડે માં ધોરણ 6 થી 9 અને ધોરણ 11 ના બંને માધ્યમના કુલ 327 વિદ્યાર્થીઓએ પરેડ દ્વારા ભારતના નકશાની રચના કરી યોગ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સાડી ડ્રિલ, એરોબિક્સ, લેઝિમ ડાન્સ અને મશાલ રીલેનું પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમનું ઉદ્ઘાટન વ્યારા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી નિતીનભાઈ ગામીતના હસ્તે મશાલ પ્રજ્વલિત કરી અને રંગીન ફુગ્ગાઓ આકાશમાં મુક્ત કરીને કરવામાં આવ્યું. ત્યારબાદ યોગા શિક્ષક શૈલેષભાઈ ઢીમર દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર વાલી તથા વિદ્યાર્થીઓમાં રમત દરમિયાન ખેલદિલીની ભાવના રાખવા શપથ લેવડાવવામાં આવી.
કાર્યક્રમમાં મહેમાનશ્રી તરીકે જનાર્દનભાઈ વ્યાસ (યુ.એસ.એ ),શ્રી સુનિલભાઈ ગામીત (સરપંચ શ્રી કાટગઢ ગ્રામ પંચાયત), શ્રી નવીન પટેલ (યુ.એસ.એ) શ્રી અવિનાશભાઈ જોષી તથા હરેશભાઈ કેળા વાળા એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.
આમંત્રિત મહેમાન શ્રી અવિનાશભાઈ જોશીએ પોતાનું પ્રાસંગિક વક્તવ્ય આપતા રમતનું દરેક વ્યક્તિના શારીરિક અને માનસિક જીવનમાં મહત્વ સમજાવ્યું અને તથા દરેક ખેલાડીએ હંમેશા ખેલદિલી રાખવી અને રમત-ગમતમાં હંમેશા જોડાવા માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત મહેમાનશ્રીઓએ તથા ટ્રસ્ટીશ્રીઓએ બાળકોને શુભેચ્છા પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા.
રમોત્સવમાં લીંબુ ચમચી, દોડ, કોથળા દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, કબડ્ડી, ક્રિકેટ, ખો- ખો વગેરે જેવી એથ્લેટસ રમતો યોજાઇ હતી. વિજેતા થયેલ દરેક વિદ્યાર્થી તથા વાલીઓને પ્રમાણપત્ર અને મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં મહેમાનશ્રીઓ નું શાબ્દિક સ્વાગત આચાર્યશ્રી અલ્પેશ ગજેરા એ અને આભાર વિધિ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમના સુપરવાઇઝર ક્રિષ્નાબેને કરી હતી.
કાર્યક્રમનું સંચાલન શાળાના ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર તથા એક્ટિવિટી કોર્ડીનેટર પૂનમ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું.