



ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) રાજકોટ ખાતે ચાલતાં જુદા જુદા ૨૬ જેટલા ટેકનિકલ કોર્સની પ્રત્યક્ષ જાણકારી મેળવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળા નં. ૭૬ અને શાળા નં.૯૬ નાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. નવી શિક્ષણ નીતિ અંતર્ગત રેગ્યુલર અભ્યાસક્રમમાં કૌશલ્ય આધારિત ટેકનિકલ વિષયો દાખલ કરવામાં આવનાર છે ત્યારે ધોરણ ૮ અને ૧૦ પાસ કર્યા બાદ તુરંત જ પ્રવેશ મળી શકે તેવા રાજકોટ આઈ.ટી.આઈમાં ચાલતા જુદા જુદા ૨૬ થી વધુ ટેકનિકલ કોર્સ વિશે શાળાના અભ્યાસ દરમિયાન જ વિદ્યાર્થીઓને યોગ્ય જાણકારી મળી શકે અને પોતાની કારકિર્દી ઘડતરમાં આગળ જતા આ માહિતી ઉપયોગી નીવડે તે હેતુથી શાળા નં. ૭૬ અને શાળા નં.૯૬ નાં વિદ્યાર્થીઓની મુલાકાત ગોઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ. ખાતે કાર્યરત જુદાં જુદાં વર્કશોપમાં થતી કામગીરી તથા આઈ.ટી.આઈમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ પ્રેક્ટીકલ કઈ રીતે શીખે છે તે પ્રત્યક્ષ નિહાળ્યું હતું. આઈ.ટી.આઈમાં એડમિશન પ્રક્રીયા, રોજગારીની તકો, અભ્યાસ દરમિયાન ચાલતી ઓન જોબ ટ્રેનીંગ અને ડ્યુઅલ સિસ્ટમ ટ્રેનીંગ, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના તદુપરાંત માત્ર મહિલાઓ માટે ચાલતી મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ સહિતની સંસ્થાની કામગીરીની માહિતી સંસ્થાના જુદા જુદા સ્ટાફો દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન સંસ્થાના જુદા જુદા સ્ટાફ દ્વારા દરેક બાબતોનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવા જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓને આપેલા સચોટ માર્ગદર્શન માટે શાળાનાં શિક્ષણગણએ આઈ.ટી.આઈ ના આચાર્યશ્રી સાગર રાડિયા તથા તમામ સ્ટાફગણનો આભાર માન્યો હતો.